રાજ્યમાં છેલ્લા ૨૦ દિવસના ટૂંકા ગાળામાં જ પેટ્રોલના ભાવમાં રૂ. ૧.૦૪ અને ડીઝલના ભાવમાં રૂ. ૨.૭૯નો તોતિંગ વધારો થયો છે. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો, પેટ્રોલમાં એક માસમાં ૮૨ પૈસા જ્યારે ડીઝલમાં રૂ. ૩નો તોતીંગ વધારો થયો છે.
અમદાવાદ સહિત રાજ્યના ચારેય મોટા શહેરોમાં પેટ્રોલના ભાવ આસમાને જઈ રહ્યા હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યાં છે. શહેરમાં ૧૭ ડિસેમ્બરે પેટ્રોલનો લીટરદીઠ ભાવ રૂ. ૭૧.૯૮ હતો, જે ૬ જાન્યુઆરીના રોજ વધીને રૂ. ૭૩.૦૨ થયો છે. ડીઝલનો ભાવ ૨૦ દિવસ પહેલા રૂ. ૬૯.૧૧ હતો, જે વધીને રૂ. ૭૧.૯૦ થયો છે.
રાજ્યના અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા અને રાજકોટમાં પણ પેટ્રોલના ભાવમાં ૮૨ પૈસાનો વધારો થયો છે. હાલમાં અમદાવાદમાં પેટ્રોલ રૂ. ૭૩.૦૨ના ભાવે વેચાઈ રહ્યું છે. જોકે, છેલ્લા એક માસમાં પેટ્રોલ કરતા ડીઝલ વધુ મોંઘુ થયું છે. હાલમાં શહેરમાં ડીઝલના ભાવ રૂ. ૭૦ને વટાવી ચૂક્યા છે. જે એક માસ પહેલા રૂ. ૭૦ કરતા ઓછા હતા. આમ, ડીઝલના ભાવોમાં છેલ્લા એક માસમાં જંગી ઉછાળો જોવા મળ્યો છે