કાશ્મીર ખીણમાં ફોનલાઈન્સ શરૂ થઈ ગઈ છે અને કેટલીક જગ્યાએ સપ્તાહના અંત સુધીમાં તબક્કાવાર ફોનલાઈન શરૂ થઈ જશે તેમજ સ્કૂલો પણ સોમવારથી અલગ અલગ વિસ્તાર પ્રમાણે શરૂ કરવામાં આવશે તેમ જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવે શુક્રવારે જણાવ્યું હતું.
જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવે શુક્રવારે કાશ્મીર પર લગાવાયેલા પ્રતિબંધો તબક્કાવાર ઊઠાવવાની જાહેરાત કરી હતી. જમ્મુ અને કાશ્મીર સરકારના મુખ્ય સચિવ બી.વી.આર. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ખીણમાં શુક્રવારનો દિવસ કોઈપણ ઘટના વિના સામાન્ય ગયો હતો અને અનેક ઓફિસોમાં લોકોની હાજરી વ્યાપક પ્રમાણમાં જોવા મળતી હતી.
તેમણે ઉમેર્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં 5મી ઓગસ્ટે કેન્દ્ર સરકાર દ્વારા લગાવાયેલા આકરા પ્રતિબંધો બાદથી અત્યાર સુધીમાં કોઈ મોટી ઘટના ઘટી નથી અને કોઈ જાનહાની થઈ નથી. 5મી ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવી લીધો હતો અને રાજ્યને જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દીધું હતું.
રાજ્યમાં શાંતિ જાળવી રાખવા માટે પરિસ્થિતિનુ મૂલ્યાંકન કરીને અને લોકોના સાથ અને સહકારથી આગામી કેટલાક દિવસોમાં તબક્કાવાર નિયંત્રણો હળવા કરવામાં આવશે.
બાળકોના શિક્ષણ પર વિપરિત અસર ન પડે તે માટે સોમવારથી વિસ્તાર પ્રમાણે તબક્કાવાર સ્કૂલો શરૂ કરાશે. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠનો આતંકી કૃત્યોના આયોજન માટે મોબાઈલ કનેક્ટિવિટીનો ઉપયોગ કરી શકે છે તેવી સતત ધમકી છતાં તબક્કાવારા ટેલિકોમ કનેક્ટિવિટી શરૂ કરવામાં આવી છે.
અટકાયતો ખૂબ વધી જતાં ઘર-હોટેલોને જેલ બનાવ્યાં
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયા પછી આતંકીઓ અને સલામતી દળો વચ્ચે કોઈ અથડામણ થઈ નથી. પરંતુ હજારો લોકોની અટકાયતો કરવામાં આવી છે. આ અટકાયતો હવે કેન્દ્ર માટે સમસ્યારૂપ બની છે. અટકાયત કરાયેલા લોકોને રાખવા માટે રાજ્યમાં જેલો ઓછી પડી રહી છે તેથી સરકાર ઘરો અને હોટેલો જેવી ખાનગી મિલકતોને ભાડે લઈને લોકોને ત્યાં અટકાયતમાં રાખી રહી છે. ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે મોદી સરકારે ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સહિત અનેક લોકોની અટકાયત કરી છે. ઉપરાંત એવા લોકોની પણ અટકાયત કરાઈ છે, જેઓ ભૂતકાળમાં પથ્થરમારામાં સંડોવાયેલા હતા. કાશ્મીરમાં પરિસ્થિતિ કાબૂ હેઠળ રહે તે માટે આ લોકોની અટકાયત કરાઈ છે.