સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. આગામી દોઢ વર્ષમાં સરકાર વિવિધ સરકારી વિભાગોમાં 10 લાખ જગ્યાઓ પર ભરતી કરશે.
આ ભરતી કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયો હેઠળ હાથ ધરવામાં આવશે. સરકારના આ પગલાથી દેશના બેરોજગાર યુવાનોને રાહત મળવાની આશા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ વિભાગો અને મંત્રાલયોમાં કર્મચારીઓની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નોકરીઓ આપવાનો આદેશ આપ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએમ મોદીએ આ પહેલા ગત એપ્રિલમાં પણ સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે અધિકારીઓને સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. જેથી દેશમાં યુવાનો માટે તકો ઊભી કરી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે, છેલ્લા ઘણાજ સમયથી બેરોજગારીના મુદ્દે વિપક્ષ દ્વારા મોદી સરકારની ટીકા કરવામાં આવી રહી છે.
દરમિયાન, સરકાર દ્વારા આટલી મોટી સંખ્યામાં ભરતીને લીલી ઝંડી આપવામાં આવી છે. આ ભરતીઓ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયો દ્વારા આગામી 1.5 વર્ષ એટલે કે ડિસેમ્બર 2023 સુધી હાથ ધરવામાં આવશે.