નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની મહામારી બાદ આપેલા પહેલા ઇન્ટરવ્યૂહમાં કહ્યુ કે, દેશની અર્થવ્યવસ્થા ઝડપથી પારા પર આવી રહી છે. ભારત હજુ પણ 2024 સુધી 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. જો કે સુધારવાદી પગલાં દુનિયાને સંકેત આપે છે કે, નવુ ભારત બજારની તાકાતો પર વિશ્વાસ કરે છે, ઇન્ટરનેશનલ માર્કેટમાં મૂડીરોકાણ માટે ભારત મનપંસદ સ્થળ છે.
દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 80 લાખે પહોંચી ગઇ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશેષ ઇન્ટરવ્યૂહમાં દેશને આશ્વાસન આપતા કહ્યુ કે, કોરોના વેક્સીન બન્યા બાદ દરેક દેશવાસીને રસ મૂકવામાં આવશે. તેમણે કોરોના વેક્સીનના રસીકરણને લઇને પોતાની સરકારની તૈયારીઓની માહિતી આપતા કહ્યુ કે, દેશના છેવાડા સુધી દરેક રહેલા નાગરિક સુધી વેક્સીન પહોંચાડવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. કોરોના વેક્સીનના સ્ટોરેજ માટે કોલ્ડ ચેઇનની કામગીરી ચાલી રહી છે.
તેમણે કહ્યુ કે, જ્યારે પણ કોરોના વેક્સીન ઉપલબ્ધ થશે, દરેક દેશવાસીનું રસીકરણ કરવામાં આવશે. કોઇને પણ બાકાત રાખવામાં આવશે નહીં.
એવુ માનવામાં આવી રહ્યુ છે કે, સરકાર હેલ્થ સ્કીમ હેઠળ આ રસીકરણ અભિયાન ચલાવશે. ઇન્ટરવ્યૂહમાં પીએમ મોદીએ કહ્યુ કે, હુ દેશને આશ્વાસન આપવા માંગુ છે કે, કોરોનાની વેક્સીન જ્યારે પણ મળશે ત્યારે બધાને તેની રસી મૂકવામાં આવશે. અલબત કોરોનાની વેક્સીન જેમને સૌથી વધુ જોખમ છે તેવી વ્યક્તિઓને સૌથી પહેલા મૂકવામાં આવશે. જેમાં કોરોના સાથે લડાઇ લડી રહેલા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ શામેલ છે.