PM modi: હિલગાર્ડનથી સભાસ્થળ સુધીના માર્ગમાં ઠેર-ઠેર પ્રધાનમંત્રીનું પુષ્પવર્ષા અને ગગનભેદી જયઘોષ સાથે ઉમંગભેર ભવ્ય સ્વાગત કરતા કચ્છવાસીઓ
‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બાદ પ્રથમ વખત કચ્છની ધીંગી ધરા પર રૂ. ૫૩,૦૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવા પધારેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા ભુજના હિલગાર્ડન પાસેથી કોલેજ રોડ પર બનાવવામાં આવેલા વિશાળ સભાખંડ સુધી એક કિલોમીટર લાંબો ભવ્ય રોડ-શો યોજાયો હતો.
PM modi પોતાના લોકલાડીલા વડાપ્રધાનની એક ઝલક મેળવવા કચ્છી માડુઓ રોડ-શોમાં સ્વયંભૂ ઉત્સાહપૂર્વક ઉમટી પડ્યા હતા. રોડ શોના સમગ્ર રૂટ પર કચ્છવાસીઓએ હાથમાં તિરંગો પકડીને પુષ્પવર્ષા સાથે પ્રધાનસેવકને ઉમંગ ઉલ્લાસથી આવકાર્યા હતા. જન જનના મુખેથી ‘મોદીજી.. મોદીજી…મોદીજી…’, ‘ભારત માતા કી જય’, વંદે માતરમ્’ ગગનભેદી જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત સન્માનમાં યોજાયેલા રોડ શોમાં નારીશક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ઓપરેશન સિંદૂરને દર્શાવતા હોય તેમ રોડ શોમાં કેસરી રંગની સાડીમાં સજ્જ અંદાજે દસ હજાર જેટલી મહિલાઓએ સિંદૂર ધારણ કરીને વડાપ્રધાનનું બેન્ડ વગાડી સ્વાગત અભિવાદન કરી, બિરદાવ્યા હતા.
રોડ શોના રૂટ પર ૧ કિલોમીટર લાંબો તિરંગો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
રોડ શોની યાત્રાના રૂટ પર પ્રચંડ નારીશક્તિ, દેશભક્તિના ગીતો, રૂટ પર તિરંગાઓ, વિવિધ ઝાંખીઓ, સાંસ્કૃતિક કૃતિઓ, ભારતીય સેનાના શસ્ત્રોની પ્રતિકૃતિઓએ વાતાવરણને ઉર્જાવાન અને મનમોહક બનાવી દેતાં મહોત્સવ જેવા વાતાવરણનું નિર્માણ થયું હતું.
કચ્છીમાડુઓ દ્વારા દર્શાવાયેલા આ પ્રેમનો પ્રધાનમંત્રીશ્રીએ પણ ઉષ્માસભર પ્રતિસાદ આપતા સમગ્ર રસ્તે હાથ હલાવી જનતાનું અભિવાદન ઝીલ્યું હતું અને આબાલ-વૃદ્ધ સૌ નગરજનો પ્રત્યે વ્યક્ત કરેલા પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
અંદાજે દોઢ કિલોમીટરના ભવ્ય રોડ શોમાં વિવિધ ૮ સ્ટેજ પર ૮૮ થી વધારે કલાકારોએ દેશપ્રેમની થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા દેશભક્તિના ગીતો થકી સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી ઓતપ્રોત બન્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ‘દેશ રંગીલા…’, ‘સુજલામ સુફલામ….’, ‘વંદે માતરમ….’, ‘એક તેરા નામ……’, ‘જય ભારતી વંદે ભારતી…’, ‘જય મા ભવાની….’ સહિતના દેશભક્તિ ગીતોએ દેશભક્તિમય માહોલ સર્જ્યો હતો.રોડ શોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જુસ્સાભેર આવકારતા વિવિધ સમાજ અને સંસ્થાઓના આગેવાન, અગ્રણીઓ
નરેન્દ્રભાઈ મોદીનું ભુજ ખાતે આગમન થતા જ રોડ શો થકી ભુજ શહેરના વિવિધ વોર્ડ તેમજ સમગ્ર જિલ્લામાંથી ઉપસ્થિત બ્રહ્મ સમાજ, પટેલ સમાજ, આહિર સમાજ, સરહદ ડેરી, રાજસ્થાન સમાજ, ગઢવી સમાજ, રબારી સમાજ, ભરવાડ સમાજ, રાજપુત સમાજ, લોહાણા સમાજ, રઘુવંશી સોશ્યલ ગ્રુપ, મહેશ્વરી સમાજ, વણકર સમાજ, ગુર્જર સમાજ, આંધ્રા સમાજ, કેરલ સમાજ, ગોરખા સમાજ, પરપ્રાંતિય સમાજ, વ્હોરા સમાજ, બીએપીએસ મંદિર સહિત વિવિધ સમાજ અને સંસ્થાઓના આગેવાનશ્રીઓ, અગ્રણીશ્રીઓએ ઉત્સાહભેર દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારો આપ્યો હતો. સૌ ઉપસ્થિતોએ ભારત માતકી જય અને વંદે માતરમ્ ના નારા સાથે આગવો જુસ્સો પ્રદર્શિત કર્યો હતો.
આ રોડ શોમાં ઓપરેશન સિંદૂરની વિવિધ ઝાંખીઓ, વડાપ્રધાનશ્રી મોદી અને ભારતીય સેનાના જવાનો સાથે તેજસ અને રાફેલ ફાઈટર પ્લેન તેમજ બ્રહ્મોસ મિસાઈલનું કટ આઉટ, ઓપરેશન સિંદૂરની કેપ, શાસ્ત્રીય નૃત્યો, માતૃભૂમિનું સરહદ પર રક્ષણ કરતા સરહદના પ્રહરી વીર જવાનોના પરિવેશ ધારણ કરીને આવેલા ભૂલકાંઓ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.