કોરોનાની મહામારી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજયોના CM સાથે વાતચીત કરી. આ દરમ્યાન પીએમ મોદીએ કોરોનાને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોની તરફથી કરવામાં આવેલા ઉપાયો પર પણ ચર્ચા કરી અને સૂચનો આપ્યા. મુખ્યમંત્રીઓની સાથે ચર્ચા દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની ચિંતા લોકડાઉનને લઇ દેખાઇ. તેમણે દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓને લોકડાઉનનું કડકાઇથી પાલન કરવાની અપીલ કરી. સાથો સાથ કહ્યું કે લોકોને જરૂરી સામાન આપવામાં આવ્યો જેથી કરીને કોઇને મુશ્કેલી ના પડે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સંકટની ઘડીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને શ્રેષ્ઠ સમન્વયની જરૂરિયાત છે. કેન્દ્ર સરકાર દરેક રાજ્યની સાથે ઉભી છે અને તેમને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવાશે. આ દરમ્યાન પીએમ મોદીએ રાજ્યોને મેડિકલ સુવિધાઓ અંગે પણ વાત કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાછલા દિવસોમાં વધેલા કોરોના દર્દીઓની સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે જે લોકોમાં સિમ્ટમ્સ દેખાયા તેમને આઇસોલેટ કરાય. સાથો સાથ સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વારેન્ટાઇન કરાયા. જો ક્વારેન્ટાઇન વોર્ડ વધારવાની જરૂર હોય તો તેને પણ વધારો.
આની પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમ્યુનિટી વધારવાની ટિપ્સ આપી હતી. પીએમ મોદીએ પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે આયુષ મંત્રાલયે શ્રેષ્ઠ સ્વાસ્થ્ય અને ઇમ્યુનિટી માટે કેટલાંક દિશાનિર્દેશ આપ્યા છે. આ એવા ઉપાય છે જે સરળતાથી કરી શકાય છે. કેટલીક તો એવી વાતો છે જે હું ખુદ વર્ષોથી કરી રહ્યો છું. જેમકે આખું વર્ષ માત્ર ગરમ પાણી પીવો.