દેશમાં કોરોના સંક્રમણની વચ્ચે દેશવાસીઓ માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે નોઈડા, મુંબઈ અને કોલકત્તામાં ઉચ્ચ ક્ષમતા ધરાવતી હાઈટેક લેબનું ઉદ્ઘાટન કરવાના છે.
PMO તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ કાર્યક્રમમાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સામેલ થશે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે, દેશમાં જીવલેણ મહામારી સામે ચાલી રહેલી જંગમાં વધુ ઝડપ લાવવા માટે કોરોના ટેસ્ટિંગની આ નવી અને અધ્યતન લેબ ખોલવામાં આવી રહી છે. આ લેબની સુવિધાથી દેશમાં કોરોનાના ટેસ્ટિંગની ક્ષમતા વધશે. આ સાથે જ સમયસર બીમારીની જાણ થવાથી લોકોને સમયસર સારવાર મળી શકશે. જેથી મહામારીના સંક્રમણને ફેલાતુ અટકાવવામાં મદદ મળશે.