વડાપ્રધાન મોદીએ ચક્રવાતી તોફાન ફાનીથી પ્રભાવિત ઓડિશા માટે 1000 કરોડ રાહત પેકેજની જાહેરાત કરી છે. સોમવારે ભુવનેશ્વરમાં ફાની પ્રભાવિત વિસ્તારોનું હેલિકોપ્ટરથી સર્વે કર્યા બાદ મોદીએ આ જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે ઓડિશાની નવીન પટનાયક સરકારે ઘણું સારું કામ કર્યું..
પીએમ મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર દરેક પગલે ઓડિશાની સાથે છે. કેન્દ્ર અને રાજ્યએ મળીને કામ કર્યું. વડાપ્રધાને કહ્યું કે, અમે ઓડિશાને શક્ય એટલી બધી મદદ કરીશું. આ પહેલા કેન્દ્ર સરકારે તોફાન આવ્યા પહેલા ઓડિશાને 381 કરોડનું રાહત પેકેજ આપ્યું હતું.
બીજી તરફ, બંગાળની મુખ્યમંત્રીએ ફાનીને લઈ યોજાનારી સમીક્ષા બેઠક કરવાનો ઇન્કાર કરી દીધો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના પ્રવાસ બાદ સ્થિતિની સમીક્ષા માટે બંગાળ જવાના હતા. પરંતુ પશ્ચિમ બંગાળની ટીએમસી સરકારે કહ્યું કે તમામ સરકારી અધિકારીઓ ચૂંટણીમાં વ્યસ્ત હોવાના કારણે આ બેઠક નહીં કરી શકાય