રાજસ્થાનના અલવર જિલ્લાના એક પોલીસ સ્ટેશન પર એકે 47 રાયફલથી સજ્જ દસ બાર જણ ત્રાટક્યા હતા અને સતત ગોળીઓ વર્ષાવીને પોતાના એક સાથીદાર વોન્ટેડ ગુનેગારને છોડાવી લઇને નાસી ગયા હતા. આ ગુનેગારના માથા પર એક લાખ રૂપિયાનું ઇનામ હતું.
પોલીસ સ્ટેશનના એસએચઓ સુગન સિંઘે મિડિયા સાથે વાત કરતાં કહ્યું કે ગુરૂવારે મોડી રાત્રે બે વાગ્યે અમે નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે એક કાર શંકાસ્પદ જણાતાં અમે એને રોકવાનો ઇશારો કર્યો. પરંતુ એ કારને સ્પીડમાં દોડાવી જતાં અમારી શંકા દ્રઢ થઇ. અમે કારનો પીછો કર્યો અને એને આંતરીને પકડ્યો. એણે પોતાની ઓળખ સાહિલ તરીકે આપી હતી.
કારની નંબર પ્લેટ ઉપરાંત કારમાં બીજી એક નંબર પ્લેટ પણ હતી એટલે અમારી શંકા પાકી થઇ. કારમાં રોકડા 31.50 લાખ રૂપિયા પણ હતા. અમે એને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લઇ આવ્યા. પોલીસ એના વિશે વધુ તપાસ કરી રહી છે.
દરમિયાન, સવારે આઠેક વાગ્યે પોલીસ સ્ટેશનની બહાર ત્રણેક કાર આવી. એમાંથી દસ પંદર જણ ઊતર્યા અને પોલીસ સ્ટેશનમાં ઘુસીને આડેધડ ગોળીબાર શરૂ કર્યા. એ લોકો લોકપમાંથી એક રીઢા ગુનેગાર 28 વર્ષના વિક્રમ ઉર્ફે પપલાને છોડાવીને નાસી ગયા.
એસએચઓએ વધુમાં એવી માહિતી પણ આપી હતી કે વિક્રમ રીઢો અપરાધી છે અને હરિયાણામાં એના નામે ડઝનબંધ ગુના બોલે છે. એણે પાંચેક તો હત્યા કરી હોવાનુ્ં કહેવાય છે અને એના માથા પર એક લાખ રૂપિયાનું ઇનામ બોલે છે.
મિડિયા રિપોર્ટ મુજબ બહારથી આવેલા લોકોએ એકે 47 દ્વારા આડેધડ ગોળીબાર કરવા માંડ્યા ત્યારે પોતાને સામનો કરવાની તક મળી નહીં હોવાથી પોલીસ સ્ટેશનમાં રહેલા પોલીસ પોતાનો જાન બચાવવા સ્ટેશનમાંના અન્ય રૂમમાં ઘુસી ગયા હતા.