પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલથી ઉપરના રેન્કના અધિકારીને વાહન ડિટેઇન કરવાની સત્તા આપવામાં આવી છે .દેશભરમાં કોરોના મહામારીના પગલે ગઇ 24 માર્ચથી દેશભરમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યુ હતું. તે પહેલા ગુજરાતમાં કોરોનાના કેસો આવતાની સાથે જ રાજ્ય સરકારે 19મી માર્ચથી રાજ્યભરમાં લોકડાઉન જેવી સ્થિતિ કરી દીધી હતી. લોકડાઉનના સમયમાં પોલીસને વિશેષ સત્તાઓ આપવામાં આવી હતી. સામાન્ય રીતે વાહનો ડિટેઇન કરવાની સત્તા RT0 વિભાગની છે.
આ ઉપરાંત પોલીસ પણ મોટર વ્હીકલ એક્ટના ભંગ બદલ જુદી જુદી કલમો હેઠળ વાહનો ડિટેઇન કરી શકે છે. રાજ્યમાં લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં પોલીસ વાહનો ડિટેઇન કરી રહી છે. લોકડાઉનના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોના વાહનો ડિટેઇન કરી રહી છે. જેના કારણે અનેક જગ્યાએ ઘર્ષણના બનાવો પણ બન્યા છે.રાજ્યમાં લોકડાઉન જાહેર થયા બાદ ગુજરાત પોલીસે અત્યાર સુધીમાં 81 હજાર કરતા વધુ વાહનો ડિટેઇન કર્યા છે.
લોકડાઉનમાં RTO વાહન ડિટેઇન કરવાની કામગીરી કરી શકે તેમ ના હોવાથી વાહન વ્યવહાર વિભાગના નાયબ સચિવ દ્વારા આજે ગુરૂવારે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં લોકડાઉનના સમયગાળામાં વાહન ડિટેઇન કરવાની સત્તા પોલીસને આપવામાં આવી છે. પોલીસમાં પણ હેડ કોન્સ્ટેબલ સુધીના કક્ષાના કર્મચારી જ વાહન ડિટેઇન કરી શકશે અને દંડ વસૂલ કરી શકશે. આ વિશેષ સત્તા પોલીસને લોકડાઉનના સમય સુધી જ આપવામાં આવી છે.