કોરોનાના કારણે આ વર્ષે ઘણી બહેનો પોતાના ભાઈને રૂબરૂ રાખડી બાંધવા જઈ શકશે નહીં. ત્યારે પોસ્ટ વિભાગે આ વર્ષે પણ આ વ્યવસ્થા કરીને બહેનોની ઈચ્છા પરિપૂર્ણ કરશે. રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે 3જી ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. ઇન્ડિયા પોસ્ટને મોટી સંખ્યામાં રાખી મેલ પ્રાપ્ત થવાની અપેક્ષા છે. આ સમયગાળા દરમિયાન ભારે ટ્રાફિક રહેશે.
ગુજરાતના ચીફ પોસ્ટ માસ્ટર જનરલે જણાવ્યું છે કે, અમારા ગ્રાહકોની સગવડ માટે તમામ અગ્રણી પોસ્ટ ઓફિસમાં રાખડી સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડ -19 રોગચાળાના આ પડકારજનક સમયગાળા દરમિયાન અમે રાખડીની અસરકારક ડિલિવરી આપવા માટે તૈયારી કરી છે.
ગ્રાહકો તેમની રાખડી સામાન્ય પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા પોસ્ટ કરી શકે છે. આ વર્ષે પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે, ઇન્ડિયા પોસ્ટ ગ્રાહકોને વિનંતી કરે છે કે તેઓ દેશભરમાં ઝડપી અને તાત્કાલિક ડિલિવરી માટે રાખડી અને ભેટ પત્રોને પોસ્ટ કરવા માટે સ્પીડ પોસ્ટની સુવિધાનો ઉપયોગ કરે. કામના કલાકો દરમિયાન તમામ પોસ્ટ ઓફિસો પર સ્પીડ પોસ્ટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે.
ગુજરાતના ચીફ પોસ્ટ માસ્ટર જનરલે વધુમાં જણાવ્યું છે કે, 50 ગ્રામ સુધીના સ્થાનિક પત્રો માટે રૂ.18 અને સમગ્ર ભારતમાં 50 ગ્રામ સુધીના પત્ર માટે રૂ. 41ના દરે આ સુવિધા ઉપલબ્ધ છે. આ સુવિધા સ્પીડ પોસ્ટ બુકિંગ કાઉન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, સ્પીડ પોસ્ટ ભવન બિલ્ડિંગ, શાહીબાગ અને અમદાવાદ રેલ્વે મેઇલ સેવા, પ્લેટફોર્મ નંબર 1 રેલ્વે સ્ટેશન પર 24 કલાક ઉપલબ્ધ છે. ગ્રાહકોને ત્વરિત ડિલિવરી માટે પત્રો પર મોકલનાર અને મેળવનારનું પિન કોડ સાથેનું સંપૂર્ણ સરનામું તેમજ મોબાઈલ નંબર લખવા વિનંતી કરી છે.
તેમણે એમ પણ જણાવ્યું છે કે 10 રૂપિયાની કિંમતના વિશેષ રાખી કવર દરેક પોસ્ટ ઓફિસ પર ઉપલબ્ધ છે. ગ્રાહકો રાખડીને મોકલવા માટે ઉપરોક્ત કવરનો ઉપયોગ કરી શકે છે.