ગયા વર્ષે લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સેના સાથેની હિંસક અથડામણમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુને મરણોત્તર મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો છે. મૂળ હૈદરાબાદના, શહીદ કર્નલ સંતોષ બાબુ 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા.
આ અથડામણમાં ભારતના 20 સૈનિક શહીદ થયા હતા. આપણા જવાનોએ ચીનના અનેક સૈનિકોને ઠાર માર્યા હતા. આ હિંસક અથડામણ પછી ભારત અને ચીન વચ્ચે બધુ બદલાઈ ગયું છે. આવો જાણીએ કઈ રીતે એક વર્ષમાં ભારત ચીનની સામે દરેક મોરચે ફ્રન્ટફૂટ પર રહ્યું.
ચીનની વિસ્તારવાદી નીતિ કોઈનાથી છૂપી નથી. ચીન લદ્દાખથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધીના વિસ્તાર પર પોતાનો હક જમાવતું રહ્યું છે. જમીનથી લઈને દરિયા સુધી ચીનની ઘુસણખોરી સમગ્ર વિશ્વ જોઈ ચૂક્યું છે. ચીનની આ લાલચનું પરિણામ હતું ગલવાનમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ. જોકે, બંને દેશ વચ્ચે સીમા વિવાદને લઈને ચાલી રહેલી વાતચીત વચ્ચે ચીન તરફથી LAC પર તણાવ વધારવાના પ્રયત્ન કરાઈ રહ્યા છે.
આ એ સમય હતો જ્યારે ભારત કોરોનાની પહેલી લહેરનો સામનો કરી રહ્યો હતો. LAC પાસે નિર્માણ અને જમીન પર કબજો કરવાના પ્રયત્ન ચીન તરફથી કરાયો હતો. 2020ના 15-16 જૂને ભારત અને ચીનના સૈનિકો સામસામે આવી ગયા. બંને સેનાને જવાનો વચ્ચે હિંસક ઝડપ થઈ, જેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા.