CBI ચીફ આલોક વર્માને ફરી એક વાર સીબીઆઈ ચીફ તરીકે ખદેડી મૂકવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સિલેક્શન કમિટીની મીટીંગ બાદ તેમને હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા હતા. સીબીઆઈ ચીફ આલોક વર્મા વિરુદ્વ સીવીસી દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટના આધારે નિર્ણય કરવામાં આવ્યો હતો.
સીબીઆઈ ચીફ આલોક વર્માને ભ્રષ્ટાચાર અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા છે. આ બેઠકમાં કોંગ્રેસના નેતા અને સિલેક્શન કમિટીના સભ્ય મલ્લિકાર્જુન ખડગે અને જજ એ.કે.સિકરી પણ હાજર રહ્યા હતા. જજ સિકરી ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ વતી હાજર રહ્યા હતા.
મીટીંગ પૂર્વે ખડગેએ કહ્યું હતું કે સીવીસીના રિપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ્સ માંગ્યા છે. આલોક વર્માને કમિટી સમક્ષ જવાબ રજૂ કરવાની તક આપવામાં આવે તે જરૂરી છે. બે ક્લાક કરતાં પણ વધુ સમય ચાલેલી મીટીંગમાં આલોક વર્માને છેવટે પાણીચું આપી દેવામાં આવ્યું હતું. મલ્લિકાર્જુન ખડગેએ પદ પરથી દુર કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો પરંતુ જજ સિકરી અને પીએમ મોદીએ હોદ્દા પરથી દુર કરવાના નિર્ણયને 2-1 વોટથી કર્યો હતો. આલોક વર્માની હોમ ગાર્ડ અને ફાયરના ડીજી તરીકે બદલી કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ત્રણ દિવસ પહેલાં આલોક વર્માને સીબીઆઈ ચીફ તરીકે બહાલ કર્યા હતા અને સિલેક્શન કમિટીની મીટીંગ બોલાવવાની તાકીદ કરી હતી. આલોક વર્મા અને સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ આસ્થાના વચ્ચે વિવાદ થયા બાદ નવેમ્બર મહિનામાં સરકારે બન્નેને રજા પર ઉતારી દીધા હતા.