ભારતે મોબાઈલ ગેમ PUBG પર પ્રતિબંધ મુક્યા પછી કંપનીની સંપત્તિમાં 14 અબજ ડોલર જેટલો જંગી ગાબડું પડ્યું હતું. ટેન્સેન્ટ એ ચાઈનિઝ ટેકનોલોજી કંપની છે અને હોંગકોંગના શેરબજારમાં તેનું લિસ્ટિંગ થયેલું છે. 1998માં સ્થપાયેલી આ કંપનીની ગણતરી જગતની ટોચની ટેકનોલોજી કંપનીઓમાં થાય છે. ટેન્સેન્ટનું કુલ માર્કેટ કેપ જ 660 અબજ ડોલરથી વધારે છે. પરંતુ ભારતના એક નિર્ણયથી ટેન્સેન્ટને ધોળા દિવસે તારા દેખાઇ ગયા છે.
ચીની વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તા ગાઓ ફેંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતે રાષ્ટ્રીય સુરક્ષાના કારણનો દુરુપયોગ કરી ચીની કંપનીઓ સામે પક્ષપાતી પ્રતિબંધાત્મક પગલાં લીધાં છે. ચીન ભારત સરકારના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરે છે અને ભારતને ખોટી પ્રવૃત્તિઓ સુધારવા અપીલ કરે છે.
ગાઓએ જણાવ્યું હતું કે, ચીન હંમેશા તેની કંપનીઓને વિદેશોમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક નિયમોનું પાલન કરવા જણાવે છે. અમને આશા છે કે ભારત દ્વિપક્ષીય સહકાર માટે સાથે મળીને કામ કરશે જેથી આંતરરાષ્ટ્રીય રોકાણકારોને બિઝનેસ માટે મુક્ત વાતાવરણ ઉપલબ્ધ કરાવી શકાય. બેઇજિંગ એમ પણ માને છે કે ભારતે અમેરિકાના દબાણમાં આવીને ચીની મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ લાદ્યો છે.