જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીનો સૌથી મોટો આતંકવાદી હુમલો થયો છે, તેમાં 42 જવાનો શહીદ થયા છે. પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, ઉરી હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકનું પરિણામ શું આવ્યું. દેશવાસીઓને સૌથી મોટો સવાલ એ છે કે, આતંકવાદીઓના સફાયા માટે હાથ ધરવામાં આવેલાં વિવિધ ઓફરેશન ખરેખર સફળ થયાં છે. જે આતંકવાદીઓને મારવાનાં ઓપરેશન્સના આંકડા આવે છે તેના ઉપર કેટલો વિશ્વાસ કરી શકાય. સેના દ્વારા કરાતી કામગીરીને ખરેખર લોકો સુધી પહોંચાડવામાં આવે છે કે, પછી તેનો દુરુપયોગ કરીને માત્ર રાજકારણ રમવામાં આવી રહ્યું છે.
કાશ્મીર અને દેશની જનતાને સૌથી મોટો સવાલ એ છે કે, કાશ્મીરમાં જ્યારે મુફ્તી સરકાર સાથે ચણભણ થઈ ત્યારે ભાજપે સરકારનો સાથ છોડી દીધો હતો. સરકાર પડી ગયા બાદ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ પાસે કાશ્મીરની કમાન સીધી રીતે આવી ગઈ હતી. કાશ્મીરખીણમાં જ્યારે કેન્દ્રનું નિયંત્રણ છે ત્યારે આતંકવાદી હુમલામાં ઘટાડો શા માટે નથી થઈ રહ્યો. પીડીપી સરકાર સામે આંગળીઓ ચીંધનાર ભાજપ હવે શા માટે પગલાં લેતો નથી? આ સવાલ જનતાને સૌથી વધુ મૂંઝવી રહ્યો છે. સેના પોતાનાં ઓપરેશનમાં સફળ થાય છે છતાં આતંકીઓનું પ્રમાણ ઘટતું કેમ નથી? સ્થાનિક યુવાનો શા માટે સેનાનો વિરોધ કરે છે? આતંકી ઘટનાઓ શા માટે ઓછી થતી નથી?
દેશની જનતાને સૌથી મોટો સવાલ ભાજપ સરકારની કામગીરી સામે છે. થોડા સમય પહેલાં વડા પ્રધાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આપણે પાકિસ્તાન સાથે 1965, 1971 અને કારગિલ યુદ્ધ કર્યું છે. તેના ઉપર સર્જિકલ સ્ટ્રાઇક પણ કરવામાં આવી છે, તેમ છતાં પાકિસ્તાન સુધરતો નથી. એક સ્ટ્રાઇકથી પાકિસ્તાન સુધરી જશે તે માનવું ભૂલભરેલું છે, તેને સુધરવામાં સમય લાગશે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન એક યુદ્ધ કે સ્ટ્રાઇકથી સુધરવાનો નથી તો પછી તેની સામે વધારે પગલાં શા માટે લેવામાં આવતાં નથી? આટલા બધા આતંકીઓ પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસે છે, હુમલા કરે છે તો તેમને કેમ ઠાર કરવામાં આવતા નથી? ભાજપ સરકાર માત્ર વાતો જ કરે છે કે, પાકિસ્તાનને પાઠ ભણાવીશું પણ જમીની સ્તરે કશું જ નક્કર જણાતું નથી.