સુરક્ષાદળોએ પુલવામા જિલ્લામાં 2 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યાના સમાચાર સામે આવી રહ્યાં છે. તેમાં જૈશ-એ-મોહમ્મદના ટોપ આતંકવાદી કમાન્ડર યાસિર પારેનો પણ સમાવેશ થાય છે. તે આઈઈડી બનાવવાનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
બીજા આતંકવાદીની ઓળખ ફુરકાન તરીકે સામે આવી છે. તે ઘણાં લાંબા સમયથી આ વિસ્તારમાં સક્રિય હતો. સુરક્ષા દળોએ રાજપોરામાં આતંકવાદીઓ હોવાની સૂચના મળ્યા બાદ મંગળવારે રાતે સમગ્ર વિસ્તારમાં ચેકિંગ શરૂ કરી દીધું હતું.
સઘન સુરક્ષા વ્યવસ્થાના કારણે તે વિસ્તારમાં અથડામણ શરૂ થઈ ગઈ હતી. સુરક્ષા દળોએ નાગરિકોની સુરક્ષા માટે તમામ ઉચિત પ્રબંધ પણ કરી લીધા હતા. અસલમાં એજન્સીઓને રાજપોરા વિસ્તારમાં આવેલા એક મકાનમાં આતંકવાદીઓ હોવાની જાણકારી મળી હતી. તે પછી પોલીસ-સીઆરપીએફ અને સેનાએ સંયુક્ત ટીમ બનાવીને તે વિસ્તારને ઘેરી લીધો હતો. તે વિસ્તારમાં 2-3 પાકિસ્તાની આતંકવાદી હોવાના અહેવાલ હતા જેમની ઘણાં લાંબા સમયથી તલાશ હતી.
ઉલ્લેખનિય છે કે, સુરક્ષા દળોએ નવેમ્બર મહિનામાં 5 અથડામણમાં 12 આતંકવાદીઓનું એન્કાન્ટર કર્યું છે. આ વર્ષે ઘાટીમાં થયેલા વિભિન્ન ઓપરેશન્સ દરમિયાન અત્યાર સુધીમાં 148 આતંકવાદીઓનો ઠાર મારવામાં આવ્યા છે. તેમાં વિવિધ સંગઠનોના અનેક કમાન્ડરના નામ પણ સામેલ છે. લશ્કર, જૈશ, હિજબુલ, ટીઆરએફ સહિત તમામ સંગઠનોના મોટા માથાઓને ઠાર મારવામાં આવ્યા છે.