કાશ્મીરના પુલવામામાં થયેલા ઇતિહાસના સૌથી ભીષણ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં સીઆરપીએફના 42 જવાનો શહીદ થયા છે. ઉલ્લેખનીય છે કે ઉરીના આતંકી હુમલામાં 18 જવાનો શહીદ થયા હતા. જ્યારે આજનો હુમલો આતંકીઓના નાપાક કારનામાના ઇતિહાસનો સૌથી ગોઝારો હુમલો છે. આ હુમલાને આતંકી આદિલ અહેમદ દારે અંજામ આપ્યો હોવાનું સ્થાનિક પોલીસનું કહેવું છે.
પોલીસે જણાવ્યું હતું કે તસવીરમાં દેખાતો દાર ગત વર્ષે જ જૈશ-એ-મોહમ્મદમાં જોડાયો હતો. સ્થાનિક લોકો તેને આદિલ અહેમદ ગાડીટકરાનેવાલા અને વકાસ કમાન્ડો ઓફ ગુંદીબાદ તરીકે પણ ઓળખે છે. સ્થાનિક પોલીસે એમ પણ કહ્યું હતું કે સીઆરપીએફનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે આદિલ ત્યાં સ્કોર્પિયો ગાડીમાં 350 કિલોગ્રામ વિસ્ફોટકો સાથે ઊભો હતો. તેણે જ સીઆરપીએફના 40થી વધુ જવાનોને લઈ જતી વાન નજીક સ્કોર્પિયો ઉડાવી દીધી હતી.
પોલીસનું એમ પણ કહેવું છે કે આદિલે એક વીડિયો પણ રિલિઝ કર્યો હતો, જેમાં તે બોલે છે કે એક વર્ષથી હું આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો, જેના માટે હું જૈશમાં ભરતી થયો હતો. જ્યારે આ વીડિયો તમારા સુધી પહોંચશે ત્યારે હું જન્નત પહોંચી ગયો હતો.
કાશ્મીરમાં ભારતીય સૈન્યની બે ગાડી પર થયેલાં હુમલો પાકિસ્તાનના કરાંચીમાં પાંચ ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદની રેલી બાદ થયો છે. આ રેલી બાદ ભારતને ભડકે બાળવા માટે આતંકીની 7 ટીમ રવાના થઈ હતી. આ મામલે ભારતીય સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું હતું. પાકિસ્તાનના કરાંચીમાં પાંચ ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદની રેલીમાં મૌલાના મસૂદ અઝહરના નાનાભાઈ અને જૈશના આતંકી મૌલાના અબ્દુલ રઉફ અસગરે ભારતના અન્ય ભાગમાં વિસ્ફોટ કરવાની જાહેરાત કરી હતી.
આ રેલીને સંબોધિત કરતાં રઉફ અસગરે કહ્યું હતું કે આગામી વર્ષે ફરી એકવાર કાશ્મીર સોલિડરિટી ડે ઉજવીશું તો દિલ્હી ભયભીત થઈ ગઈ હશે. જૈશ-એ-મોહમ્મદનું લક્ષ્ય ભારતથી કાશ્મીરને અલગ કરવાનું છે. જોકે, એમાં સફળતા ન મળતાં આ પ્રકારની કૃત્યો કરવામાં આવી રહ્યાં છે. ભારત, અમેરિકા, બ્રિટન દ્વારા જાહેર કરાયેલાં આતંકી સંગઠનની યાદીમાં જૈશનું નામ સામેલ છે.