કેરળમાં આવેલા પૂરના કારણે વાયનાડ જિલ્લામાં સ્થિતિ વધારે વણસી છે. વાયનાડથી સાંસદ અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વાયનાડની સ્થિતિ અંગે પીએમ મોદી સાથે વાતચીત કરી. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પૂરગ્રસ્તો માટે રાહત અને બચાવ કાર્ય કરવાની મદદ માગી. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે, મારા સંસદીય વિસ્તારમાં પૂરના કારણે ગંભીર સ્થિતિ છે. જેથી પૂરની સ્થિતિ પર અમે બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. આ ઉપરાંત રાહુલ ગાંધીએ કેરળના સીએમ અને અધિકારીઓ સાથે વાતચીત કરી છે.

કેરળમાં વરસાદ બાદ કેવી છે સ્થિતિ ?
કેરળમાં ભારે વરસાદ બાદ પૂરના કારણે 14 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે એર્નાકુલ્લમ, ત્રિશૂર, પઠાનમથિટ્ટા અને મલપ્પુરમ જિલ્લામાં મોડી રાત્રે વરસાદ પડ્યો.. વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. જ્યારે ભારે વરસાદથી કોચ્ચિ એરપોર્ટ પર હવાઈ સેવાને અસર પડી છે. વહીવટી તંત્ર દ્વારા એરપોર્ટને બંધ કરાયુ છે.

રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે પૂરના કારણે અત્યાર સુધીમાં 22 હજાર 165 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 315 રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. કેરળની સીએમ પિનરાઈ વિજયનને ગુરૂવારે રાત્રે રાજ્યમાં પૂરની સ્થિતિ અંગે સમીક્ષા કરી અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. હવામાન વિભાગે ઝડુક્કી, મલપ્પુરમ, કોઝિકોડમાં વરસાદનું રેડ એલર્ટ જ્યારે ત્રિશૂર, પલક્કડ, વાયનાડ, કન્નૂર અને કાસરગોડમાં ઓરેંજ એલર્ટ જાહેર કર્યુ છે.