રાષ્ટ્રીય રાજધાનીમાં બુધવારે સતત ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં કમર સુધી પાણી ભરાઈ ગયા હતા અ્ને મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ થયા હતા.ભારતીય હવામાન ખાતાની ક્ષેત્રીય કચેરીના વડા કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું હતું બપોર સુધી દિલ્હીમાં મધ્યમ વરસાદ પડયો હતો અને હજી વધુ વરસાદની શક્યતા છે.
આયાનગર હવામાન કચેરીમાં ગઈકાલની મધ્યરાત્રીથી બુધવારની બપોર સુધી 63.1 એમએમ વરસાદ નોંધાયો હતો. જ્યારે સફદરજંગ કચેરીમાં 29.8 એમએમ વરસાદ નોંધાયો હતો, આ કચેરી શહેરના વરસાદનો મુખ્ય આંકડો દર્શાવે છે. પાલમ, લોધી રોડ અને રીજ હવામાન કચેરીમાં ક્રમશ: 45 એમએમ, 25.8 એમએમ અને 42.5 એમએમ વરસાદ નોંધાયો હતો.
સવારે હવામાન ખાતાએ દિલ્હીમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી હતી.વરસાદે કેટલાક રસ્તાઓ અને ગલીઓને નદીમાં ફેરવી દીધા હતા જેના પગલે મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
અમુક કલાકના વરસાદ બાદ શહેરના અણુક વિસ્તાર જળબંબાકાર થયા હતા. પાણી ભરાયેલા માર્ગો પર વાહનો ફસાઈ ગયા હોવાના અને કમર સુધી ભરાયેલા પાણીમાં લોકો મુશ્કેલીથી પસાર થતા હોય તેવી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
આઈટીઓ ચાર રસ્તા, પુરાના કિલા વિસ્તાર, વિનોદ નગર, સરાય નકાલે ખાન, ધૌલા કુંઆ, ભૈરો રોડ, સિવિલ લાઈન, રાણી ઝાંસી રોડ જેવા વિસ્તારોમાં દિલ્હી ટ્રાફિક પોલીસના જવાનો માર્ગ પરથી ટ્રાફિક હટાવવાની કામગીરી કરતા નજરે પડયા હતા.
અમુક જગ્યાએથી ઝાડ પડી જવાના અહેવાલો પણ આવ્યા હતા. સાકેતમાં એક શાળાની દીવાલ તૂટી પડતા કેટલાક વાહનો ક્ષતિગ્રસ્ત થયા હતા.હવામાન ખાતાએ રાજધાનીમાં હજુ 1-2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.