રાજસ્થાનના ભીલવાડામાં એક વ્યક્તિએ પોતાના જ મર્ડરની સોપારી આપી દીધી. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે આ વ્યક્તિના હાથ પગ વિજળીના તારથી બંધાયેલા હતા અને તેનું ગળું રૂંધાયેલું હતું. પણ હવે પોલીસ એવું કહી રહી છે કે, તેણે પોતાના મર્ડરનો પ્લાન ખુદ જ બનાવ્યો હતો. તેણે પોતાનું મર્ડર એટલા માટે કરાવ્યું કે, તેના પરિવારને પોતાના ઈન્સયોરન્સના 50 લાખ રૂપિયા મળી જાય.
બલબીરની હત્યા કરનારા બે વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા છે. તેણે બે લોકોને 80,000 રૂપિયા આપ્યા હતા. ઉત્તર પ્રદેશમાં રહેનારા સુનીલ યાદવની સાથે તેણે કોન્ટેક્ટ કર્યો હતો. સુનીલે પણ એક બીજા વ્યક્તિની મદદ લીધી. જેનું નામ રાજવીર સામે આવ્યું છે. બંન્નેએ મળીને બલબીરની હત્યા કરી નાખી. હત્યાનાં બે દિવસ પહેલા બલબીર સુનીલને એ જગ્યાએ મળવા ગયો હતો જ્યાં તે પોતાની હત્યા કરવાનો હતો.
પોલીસે વધારે તપાસ હાથ ધરતા ખ્યાલ આવ્યો કે બલબીરે લોકો પાસેથી 20 લાખ જેટલા રૂપિયા ઉધાર લીધા હતા. તેણે અન્ય લોકોને તે પૈસા આપી દીધા પણ તેને એ લોકો પાસેથી વ્યાજ નહોતું મળ્યું. જેથી તેની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. જે પછી તેણે 50 લાખનો વીમો પણ કરાવ્યો અને 8,43,200નું પ્રીમીયમ પણ ભર્યું હતું. જે પછી તેણે પોતાનું મર્ડર પ્લાન કર્યું હતું.