તાજેતરમાં નિઝામુદ્દીન ખાતે તબલીગી જમાતના ધાર્મિક કાર્યક્રમને કારણે દેશમાં કોરોનાનો આંક વધીને બમણો થઈ ગયો છે. કેન્દ્ર સરકારે પણ એક સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોનો દર 4.1 દિવસમાં બમણો થઈ રહ્યો છે પરંતુ જો તબલીગી જમાતની ઘટના ઘટી ના હોત તો તેને 7.4 દિવસ લાગતા હતા.
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે શનિવારથી અત્યાર સુધીમાં દેશમાં 472 નવા કેસો નોંધાયા છે જ્યારે કોરોનાને લીધે વધુ 11 લોકોના મોત થયા છે. દેશમાં કુલ કોરોના વાયરસના કેસ 3,374 થઈ ગયા છે અને અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 79 પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાને માત આપીને સાજા થયેલા લોકની સંખ્યા 267 રહી છે. કોરોનાથી મૃત્યુના સરકારી આંકડા અને ખાનગી ડેટામાં વિસંગતતા જણાય છે. ખાનગી ડેટા મુજબ 106 લોકોના મોત થયા છે.
કોરોના હવાથી પણ ફેલાઈ રહ્યો છે તેવી અટકળો અંગે આઈસીએમઆરના અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આપણે વિજ્ઞાનને સમજવું જોઈએ. જે કોઈ પ્રયોગ કરે છે તેના બે મત હંમેશા હોય છે. કેટલાક તેનું સમર્થન કરે છે તો કેટલાક વિરોધ પણ કરે છે. સંતુલિત મતને ધ્યાનમાં રાખતા, ઉદાહરણ તરીકે જોઈએ તો જો હવાથી કોરોના ફેલાતો હોત તો ઘરના તમામ સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવી શકે કારણ કે તમામ લોકો એક જ હવાને શ્વાસમાં લઈ રહ્યા હોય છે. એક પોઝિટિવ દર્દીને દાખલ કરવામાં આવે તો અન્ય દર્દીને પણ લાગે પરંતુ આવું નથી થઈ રહ્યું. કોરોના હવાથી ફેલાતો નથી.