ગેંગસ્ટર રવિ પૂજારીની દક્ષિણ આફ્રીકામાં ધરપકડ કરવામાં આવી છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં રવિની સેનેગલમાંથી ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે ફરાર થઈ ગયો હતો. તેને ભારત લાવવાની તૈયારીઓ ચાલી રહી છે અને રવિવારે તેને ભારત લાવવામાં આવી શકે છે. રૉ અને કર્ણાટક પોલીસના અધિકારીઓ હાલ સેનેગલમાં છે અને તેને ભારત લાવવાની તૈયારીઓ કરી રહ્યાં છે.
સુત્રો અનુસાર, રવિ પૂજારીને ભારત લાવવાની દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે. રવિવારે તેને ભારત લવાશે. રવિને રૉ સેનેગલના અધિકારીઓ અને મેંગલુરૂ પોલીસના એક સંયુક્ત ઓપરેશનમાં ઝડપી પાડવામાં આવ્યો છે. આ સમયે રવિ પૂજારી એન્થની ફર્નાન્ડિસના ખોટો નામે રહી રહ્યો છે અને પોતાના બુર્કિના ફાસોનો નાગરિક હોવાનો દાવો કરી રહ્યો છે. જેના કારણે તેને ભારત લાવવામાં મુશ્કેલી થઈ રહી છે.
પૂજારીએ છોટા રાજનની ગેંગના સાગરિત તરીકે ગુનાની દુનિયામાં પગ મૂક્યો હતો. તેના વિરૂદ્ધ હત્યા અને ખંડણીના 200 કેસો નોંધાયેલા છે. ગત વર્ષે જ સેનેગલમાં ફ્રોડ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેને જામીન મળ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. ફરાર થયા બાદ તે કેન્યાના એક ગામમાં છૂપાયો હતો.
જો કે ભારતીય અધિકારીઓએ તેને દક્ષિણ આફ્રિકાના એક ગામમાં ટ્રેક કર્યો હતો. પૂજારી વિરૂદ્ધ ઈન્ટરપોલ તરફથી રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે. રવિ પર કેટલાક બોલિવૂડ એક્ટર્સ અને મોટા ઉદ્યોગપતિઓને ધમકાવાનો આરોપ છે.