એક દિવસમાં રેકોર્ડ 64,399 કેસ નોંધાતા રવિવારે ભારતનો કોવિડ-19 (Covi-19/Corona Virus cases in India) નો આંક ઝડપથી 21 લાખને પાર ગયો હતો. જ્યારે નવા 861 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક વધીને 43,379 થયો હતો, એમ આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 53,879 દર્દીઓ સાજા થતા કોવિડ-19થી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને 14,80,884 થઈ હતી .જેના પગલે સાજા થવાનો દર (રિકવરી રેટ Recovery rate) 68.78 ટકા થયો હતો. મૃત્યુદર (fatality rate) વધુ ઘટીને 2.01 ટકા થયો હતો, એમ આરોગ્ય મંત્રાલયના આંકડાઓમાં જાણવા મળ્યું હતું.
વર્તમાનમાં દેશમાં કોરોના વાયરસ બીમારના કુલ સક્રિય કેસ (active cases) 6,28,747 છે જ્યારે કુલ કોરોના વાયરસના કેસ વધીને 21,53,010 થયા છે. સતત ત્રીજા દિવસે કોવિડ-19ના કેસોની સંખ્યામાં 60,000થી વધુનો વધારો જોવા મળ્યો છે.
ભારતે શુક્રવારે જ 20 લાખનો આંક વટાવ્યો હતો. આઈસીએમઆરએ જણાવ્યા મુજબ શનિવારે કોરોના વાયરસ માટે 7,19,364 નમૂનાઓની તપાસ કરાઈ હતી, અત્યાર સુધી 2,41,06,535 નમૂનાઓનો ટેસ્ટ કરાયો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ (Indian Council of Medical Research-ICMR)ના વિજ્ઞાની લોકેશ શર્માએ કહ્યું હતું ભારતમાં પ્રતિ મિનટ કોવિડ-19ની તપાસ માટે આશરે 500 ટેસ્ટ કરાઈ રહ્યા છે અને તેની પ્રતિ દિવસ ટેસ્ટ કરવાની ક્ષમતા 5 લાખથી વધુ થઈ છે.
નવા 861 મૃત્યુ પૈકી મહારાષ્ટ્રમાં 275, તમિલનાડુમાં 118, આંધ્ર પ્રદેશમાં 97, કર્ણાટકમાં 93 અને ગુજરાતમાં 23 દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં.અત્યાર સુધી દેશમાં થયેલા કુલ 43,379 મૃત્યુ પૈકી સૌથી વધુ મહારાષ્ટ્રમાં 17,367 મૃત્યુ થયાં છે ત્યારબાદ તમિલનાડુ 4808, દિલ્હીમાં 4098, કર્ણાટકમાં 3091, ગુજરાતમાં 2628 અને ઉત્તર પ્રદેશમાં 2028 દર્દીઓનાં મૃત્યુ થયા છે.