રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ ગુરુવારે યસ બેન્કના ડિરેક્ટર બોર્ડને ભંગ કરતા તેના પર એડ્મિનિસ્ટ્રેટરની નિમણૂક કરી છે. આ સાથે સાથે બેંકના થાપણદારો પર રોકડ ઉપાડની મર્યાદા સહિત ઘણા પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. કેન્દ્રીય બેંક દ્વારા બેંકના ગ્રાહકો માટે ઉપાડની મર્યાદા 50,000 રૂપિયા નક્કી કરી છે. SBIના નેતૃત્વ હેઠળ નાણાકીય સંસ્થાઓના એક સમૂહને બેંકનું નિયંત્રણ સોંપવાની તૈયારી કરવામાં આવી છે.
RBIએ મોડી સાંજે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે, યસ બેંકના ડિરેક્ટર બોર્ડ તાત્કાલિક અસરથી ઓગળી ગયા છે અને RBIના પૂર્વ ચીફ ફાઇનાન્સ ઓફિસર (સીએફઓ) પ્રશાંત કુમારને યસ બેન્કના એડમિનિસ્ટ્રેટર તરીકે નિમવામાં આવ્યા છે. રિઝર્વ બેંક દ્વારા આશરે 6 મહિના પહેલા મોટા કૌભાંડ સામે આવ્યા બાદ શહેરની સહકારી બેંક પીએમસી બેંકના કિસ્સામાં પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો હતો. યસ બેંક લાંબા સમયથી દેવાની સમસ્યાથી ઝઝૂમી રહી છે. દિવસની શરૂઆતમાં જ સરકારે એસબીઆઈ અને અન્ય નાણાકીય સંસ્થાઓને યસ બેંકને બચાવ કરવાની મંજૂરી આપી હતી.