ગણપત મકવાણા, પંંચમહાલ: યાત્રાધામ પાવાગઢ ખાતે દેવ દિવાળી અને પૂનમના પાવન દિવસ નિમિત્તે ગુજરાત સહિત આંતર રાજ્યોમાંથી દોઢ લાખ ઉપરાંત માઇભકતો મહાકાળી માતાજીના દર્શનાર્થે ઊમટયા હતા. જ્યાં પાવાગઢની તળેટી ચાંપાનેરથી લઇ માચી અને ડુંગરપર માતાજીના મંદિર સુધી ઠેર ઠેર માનવ મહેરામણ ઊભરાયું હતું.
શુક્રવારે વહેલી સવારથી જ મહાકાળી માતાજીના ધામ પાવાગઢ ખાતે યાત્રિકોનો ઘસારો અવિરત પણે શરૂ થયો હતો. જેમાં સાંજ સુધી દોઢ લાખ ઉપરાંત માઇભકતોએ મહાકાળી માતાજીના ચરણોમાં શિશ ઝૂકાવ્યું હતું. શુક્રવારે દેવ દિવાળી અને પૂનમ નિમિત્તે મૂળ રાજસ્થાનના કાનુડીના રહેવાસી અને હાલ હિંમતનગર ખાતે વ્યવસાય કરતા અને મહાકાળી માતાજીના પરમભક્ત બાબુલાલ સોનાજી રાજપુરોહિત મહાકાળી મંદિર ખાતે ઇતિહાસનું આજદિન સુધીનું સૌથી મોટુ દાન કરી ઇતિહાસ સર્જ્યો હતો.
મહાકાળી માતાજીના પરમ ભક્ત એવા બાબુલાલ સોનાજી રાજપુરોહિતે મહાકાળી માતાજીને સવા કિલોનો સોનાનો છત્ર ચડાવ્યો હતો. અને મંદિર ખાતે 1 કરોડ 11લાખનો ચેક મંદિર ટ્રસ્ટને અર્પણ કરી યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે આજ દિન સુધીનું સૌથી મોટું દાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું.
બાબુલાલ સોનાજી રાજપુરોહિત મહાકાળી માતાજીમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા હોઇ 1995થી પોતાના પરિવાર સાથે દર વર્ષે મહાકાળી માતાજીના દર્શને પાવાગઢ ખાતે પધારે છે. જેમાં તેઓએ દેવ દિવાળીના પાવન પર્વે પૂનમ નિમિત્તે મહાકાળી માતાજીને સવા કિલો સોનાનો છત્ર ચડાવી તેમજ મંદિર ખાતે 1 કરોડ 11 લાખનું સૌથી મોટું દાન કરી માતાજી પ્રત્યેની પોતાની ભક્તિ અને શ્રદ્ધા વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી.