એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ ઝૂમાંથી દેશના અન્ય ઝૂને સિંહ આપવામાં આવી રહ્યા છે. સોમવારે સક્કરબાગ ઝૂમાંથી બે નર અને પાંચ માદા સિંહને બે ટ્રકમાં પાણી, ખોરાક સાથે યુપીના ગોરખપુર ઝૂ ખાતે મોકલવામાં આવ્યા છે. જેની સામે સક્કરબાગ ઝૂમાં કાનપુરથી નર ગેંડો આવશે. સિંહની દેખરેખ માટે બે ટ્રકમાં ચાર સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા છે. 1371 કિમીનું અંદર કાપી 7 સિંહ ઇટાવાના લાયન બ્રિડીંગ સેન્ટર અને મલ્ટીપલ સફારી પાર્કમાં પહોંચશે.
ગુજરાતના ઉપહારને સંભાળીને રાખીશું
ઉત્તર પ્રદેશનું ઇટાવા ઝૂ ભારતનું પ્રથમ બ્રિડીંગ સેન્ટર છે. જે ગુજરાતની બહાર છે. ત્યાં 8 સિંહ અને 3 બાળ સિંહ છે. વધારાના 7 સિંહ આપવા માટે સક્કરબાગનો આભાર માનું છે. ગુજરાતના ઉપહારને દિલથી સંભાળીને રાખશું. – વી.કે.સિંઘ, ડાયરેક્ટર, ઇટાવા ઝૂ
ઇટાવા ઝૂમાંથી ગોરખપુર ઝૂમાં મોકલાશે
ઉત્તર પ્રદેશના ઇટાવા ખાતે લાયન બ્રિડીંગ સેન્ટર અને મલ્ટીપલ સફારી પાર્ક છે. સક્કરબાગમાંથી મોકલાયેલા સિંહ પહેલા ઇટાવા લાયન બ્રિડીંગ સેન્ટર ખાતે લઇ જવાશે. બાદમાં ત્યાં જરૂરીયાત મુજબના સિંહને ત્યાં રાખી અન્ય સિંહને ગોરખપુર ઝૂમાં મોકલી દેવામાં આવશે. સક્કરબાગ ઝૂમાંથી કુલ 8 સિંહ લઇ જવાના હતા પરંતુ તેમાંથી મહેશ્વરી સિંહણનું 2 વર્ષનું બચ્ચુ બિમાર હોવાના કારણે તેને મોકલવામાં આવ્યું નથી.