એકવાર ફરીથી સતત ત્રણ દિવસ માટે બેન્ક બંધ રહેશે. બેન્ક બંધ રહેવાથી રોકડ વ્યવહાર પર અસર પડી શકે છે. જો તમારે આગામી ત્રણ દિવસ રોકડની અછતનો સામનો ન કરવો હોય તો તમે આજે વ્યવસ્થા કરી શકો છો. 21 ફેબ્રુઆરીથી લઈને 23 ફેબ્રુઆરી સુધી દેશભરમાં બેન્ક બંધ રહેશે.
શુક્રવારના રોજ મહાશિવરાત્રીની રજા હોવાના કારણે બેન્ક બંધ રહેશે જયારે 22 ફેબ્રુઆરીએ ચોથો શનિવાર છે અને ત્યારબાદ 23 તારીખે રવિવારની રજા હોવાના કારણે સતત બેન્ક ત્રણ દિવસ માટે બંધ રહેશે. બેન્ક બંધ રહેવાથી ચેક ક્લિયરન્સ, NEFT, RTGS જેવા કામ અટકાઈ જશે, હવે બેન્ક 24 ફેબ્રુઆરીના રોજ સોમવારે જ ઓપન થશે.
ઉલ્લેખનીય છે કે, 31 જાન્યુઆરીથી લઈને 2 ફેબ્રુઆરી સુધી બેન્ક હડતાળ હોવાના કારણે બંધ રહી હતી. 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ દેશવ્યાપી હડતાળનું આહવાન કરવામાં આવ્યું હતું તો 2 ફેબ્રુઆરીએ રવિવારે રજા હોવાના કારણે બેંકમાં રજા હતી.