સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની સેન્ટ્રલ બોર્ડની એકઝિકયૂટિવ કમિટિએ યસ બેન્કના 725 કરોડ શેર પ્રતિ શેર રૂપિયા 10ના ભાવે ખરીદ કરવાની દરખાસ્ત કરી છે. આનો અર્થ એસબીઆઈ હાલમાં યસ બેન્કમાં રૂપિયા 7500 કરોડનું રોકાણ કરશે.
પૂનર્રચના બાદ યસ બેન્કમાં એસબીઆઈનું શેરહોલ્ડિંગ 49 ટકાની મર્યાદાની અંદર રહેશે, એમ એસબીઆઈ દ્વારા શેરબજારને પાઠવાયેલી એક યાદીમાં જણાવાયું છે. જો કે શેરની ખરીદી માટે નિયમનકારી મંજુરી લેવાની રહેશે.
પાંચમી માર્ચના રોજ રિઝર્વ બેન્કે યસ બેન્કની બોર્ડને સુપરસીડ કરી તેને એક મહિના માટે મોરેટોરિઅમમાં મૂકી દીધી છે. એસબીઆઈ ત્રણ વર્ષ સુધી પોતાનું હોલ્ડિંગ્સ 26 ટકાથી નીચે નહીં લઈ જઈ શકે.
યસ બેન્કને ફરી બેઠી કરવા આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, એકસિઝ તથા કોટક જેવા જુથોને પણ આગળ આવવા એસબીઆઈ સમજાવી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.
યસ બેન્ક પરથી મોરેટોરિઅમ પાછું લઈ લેવા બાદ નાણાં ઉપાડમાં વધારો થાય તો તેવા કિસ્સામાં બેન્કમાં સ્થિરતા જળવાઈ રહે તે માટે પૂરતી મૂડી રહે તેની એસબીઆઈ તકેદારી રાખવા માગે છે.
ઘરેલું નાણાં સંસ્થાઓ યસ બેન્કમાં નાણાં ઠાલવવા ઉત્સુક છે પરંતુ કોણ કેટલી મૂડી ઠાલવશે તેની હજુ કોઈ સ્પષ્ટતા જોવા મળતી નથી. યસ બેન્કની શનિવારે મળી રહેલી મીટિંગમાં બેન્કના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર થનાર છે.