સોમવારે સુપ્રીમ કોર્ટે SC/ST એક્ટની બંધારણીય માન્યતાને યથાવત રાખી છે. કોર્ટે આ સાથે સ્પષ્ટ કર્યું હતું કે જો મામલો પ્રથમ નજરે જ એસસી/એસટી એક્ટ અંતર્ગત ન લાગ્યો તો આરોપીને આગોતરા જામીન મળી શકે છે. કિન્તુ એફઆઈઆર નોંધતા પહેલા શરૂઆતની તપાસ કે કોઈ ઉચ્ચ પોલીસ અધિકારીની મંજૂરીની જરૂર પડશે નહિ. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ધરપકડ પહેલા મામલાની તપાસના આદેશ આપ્યા હતા પણ કેન્દ્ર સરકારે સંસદમાં પ્રસ્તાવ લાવીને સુપ્રીમ કોર્ટના આદેશને બદલી નાંખ્યો હતો. જેને આજે સુપ્રીમ કોર્ટે બહાલી આપી હતી.
ઉલ્લેખનીય છે કે માર્ચ 2018માં કોર્ટે કહ્યું હતું કે એફઆઈઆર નોંધતા પહેલા અધિકારીઓની મંજૂરી લેવી પડશે પછી જ એફઆઈઆર નોંધી શકાશે. જોકે કેન્દ્ર સરકાર કોર્ટના આ ચુકાદા સામે બંધારણમાં સુધારો કરતા હવે એફઆઈઆર નોંધતા પહેલા ઉપરોક્ત જરૂરિયાત રહેશે નહિ, એટલે કે એસસી/એસટી એક્ટ અંતર્ગત કેટલાક ફેરફારની સાથે મૂળરૂપમાં લાગુ રહેશે. જોકે સાથે જસ્ટિસ અરુણ મિશ્રાની બેંચે એ પણ ચુકાદો આપ્યો છે કે કોર્ટને લાગે કે આરોપીની વિરુદ્ધ સબૂત નથી તો તે આગોતરા જામીન માટે અરજી કરી શકે છે.
આમ હવે સરકારના બંધારણીય સુધારાને સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પણ લીલી ઝંડી મળતાં નવો કાયદો અમલમાં આવી જશે.