મદ્રાસ હાઇકોર્ટે એક આદેશમાં જણાવ્યું કે, સ્કૂલ અને કોલેજના શિક્ષકો જો કોઇ વેપાર કરે છે અથવા ટયૂશન ભણાવે છે તો તે સંપૂર્ણ રીતે અયોગ્ય છે. કોર્ટે કહ્યું કે સ્કૂલના ટાઇમિંગ પછી આ પ્રકારનું કોઇ પણ કાર્ય યોગ્ય નથી. આ તમામ બાબતોને જોતાં રાજ્ય સરકારને આદેશ અપાયા છે કે, તેઓ એક હેલ્પલાઇન તૈયાર કરવાની સાથે સ્કૂલોમાં તેને ડિસ્પ્લે પણ કરે.
ઉપલબ્ધ કરાયેલી હેલ્પલાઇન દ્વારા માતા-પિતા અને બાળકો આવા કિસ્સાઓ અને જાતીય શોષણ જેવા મુદ્દાઓ પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. કોર્ટે કહ્યું કે એક વાર ફરિયાદ નોંધાયાના ર૪ કલાકની અંદર રાજ્ય સરકારે કાર્યવાહી કરવી પડશે.
એક કોર્પોરેશન સ્કૂલના પ્રિન્સિપાલ આર.રંગનાથન તરફથી દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતાં જસ્ટિસ એસ.એન. સુબ્રમણ્યમે આ આદેશ જારી કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આર.રંગનાથને વર્તમાન સ્કૂલથી બે કિલોમીટરના અંતર પર આવેલી સ્કૂલમાં પોતાની બદલીને પડકારતાં આ અરજી દાખલ કરી હતી.
સરકારી સ્કૂલોમાં શિક્ષકોની અનુશાસનહિનતાને જોતાં જજે કહ્યું કે, સમાજ પ્રત્યે શિક્ષકો જવાબદારી વધુ છે. એ વાતને અનુભવ્યા વગર શિક્ષક આ પ્રકારની બિનજરૂરી અરજીઓ દાખલ કરે છે.