ગુજરાત પોલીસે એક વખત ફરીથી પ્રશંસનિય કામગીરી કરતા 600 કરોડ રૂપિયાનો ડ્રગ્સ ઝડપી પાડીને યુવા વર્ગને ખતરનાક નશાથી બચાવી લીધું છે. મોરબી જિલ્લાના ઝીંઝૂડામાં એટીએસ દ્વારા ઝડપી પાડેલા 600 કરોડ રૂપિયાના ડ્રગ્સ અંગે પોલીસે અનેક ખુલાસાઓ કર્યા છે.
આ અંગે પોલીસે જણાવ્યું હતુ કે, નાયબ પોલીસ અધિક્ષક કે. કે પટેલને ગઈકાલે એટલે 14 નવેમ્બરે બાતમી મળી હતી કે, જામનગર તથા ખંભાળીયાના જબ્બાર જોડીયા તથા ગુલામ ભગાડ નામના વ્યક્તિઓ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે લાવી મોરબી જિલ્લાના ઝીંઝૂડા ગામમાં કોઠાવાળા પીરની દરગાહ પાસે આવેલા સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદના નવા બની રહેલા મકાનમાં સંતાડ્યો છે. જે ડ્રગ્સને રાતોરાત સગે-વગે કરવા ભેગા થવાના છે.
આ બાતમીના આધારે ગુજરાત ATSની ટીમે રેડ પાડીને 120 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ સાથે ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ કન્સાઈમેન્ટની આંતરાષ્ટ્રીય માર્કેટ કિંમત અંદાજિત 600 કરોડ રૂપિયા છે.
પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, મોરબી જિલ્લાના જોડીયા ગામમાં રહેતા ગુલામ, જબ્બાર અને ઈસા રાવે પાકિસ્તાનથી ડ્રગ્સ મંગાવવાનો પ્લાન બનાવ્યો હતો. તેથી તેમને પાકિસ્તાનના ઝાહિદ બશીર બલોચનો સંપર્ક કરીને દરમિયાઇ માર્ગે હેરોઈન મંગાવ્યું હતું. તેમને આ ડ્રગ્સની ડીલીવરી ઓક્ટોબર 2021ના અંતિમ અઠવાડિયામાં મળી ગઈ હતી. પરંતુ તેમને તે માલ દેવભૂમી દ્વારકાના દરિયા કિનારે કોઈ જગ્યાએ સંતાડી દીધો હતો.
તે પછી તે માલને ઝીંઝૂડા ગામમાં લાવવામાં આવ્યો હતો અને અહીંથી ગુજરાતભરમાં તેને વેચાણ અર્થે મોકલવાનો કારસો ઘડ્યો હતો. જોકે, ગુજરાત એટીએસની સજાગતાએ તેમના પ્લાન ઉપર પાણી ફેરવીને તમામ આરોપીઓની ધરપકડ કરીને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.
આરોપીઓના નામ
1. મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર
2. સમસુદ્દીન હુસૈનમીયા સૈયદ
3. ગુલામ હુસૈન ઉમર ભગાડ