કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નાગરિકતા સુધારણા કાયદા (સીએએ) અને એનઆરસીની વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગમાં ઘણા લાંબા સમયથી ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે હવે આ મામલે વાંધો વ્યક્ત કર્યો છે. કોર્ટે જણાવ્યું છે કે, જાહેર માર્ગને કોઈ કેવીરીતે બંધ કરી શકે છે. જો બધા જ લોકો આવી રીતે જાહેર જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કરવા લાગશે તો દેશનું શું થશે?
સુપ્રીમ કોર્ટે શાહીન બાગમાંથી પ્રદર્શનકારીઓને હટાવવાની અપીલ કરનારી અરજીઓ પર કેન્દ્ર, દિલ્હી સરકાર અને પોલીસને નોટિસ પાઠવી છે. કોર્ટે જણાવ્યું છે કે, શાહીન બાગમાં પ્રદર્શનકારી રોડ બંધ કરી શકતા નથી અને અન્ય કોઈ વ્યક્તિ માટે અસુવિધા પેદા કરી શકતા નથી. લોકોને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે પરંતુ તેમણે નિર્ધારીત સ્થળે પ્રદર્શન કરવા પડશે.
જસ્ટિસ એસ કૌલ અને એમ જોસેફની બેંચે જણાવ્યું કે, એક કાયદો છે અને લોકોને તેની વિરુદ્ધ ફરિયાદ છે. કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. તેમ છતાં કેટલાક લોકો પ્રદર્શન કરી રહ્યા છે. તેમને પ્રદર્શન કરવાનો અધિકાર છે. જો તમે પ્રદર્શન કરવા માગો છો તો તમારે નિર્ધારિત સ્થળે પ્રદર્શન કરવો જોઈએ.
સુપ્રીમ કોર્ટ પ્રદર્શન દરમિયાન ચાર મહિનાના બાળકના મોત પર ચિંતા વ્યક્ત કરી હતી. બેંચે જણાવ્યું હતું કે, તેઓ બીજા પક્ષને સાંભળ્યા વગર કોઈ આદેશ આપશે. કેસની આગામી સુનાવણી 17 ફેબ્રુઆરીએ થશે.