ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમો વચ્ચે ટી-20 શ્રેણીની પહેલી મેચ સુરતમાં રમાઈ હતી. પાંચ મેચની શ્રેણીની આ પ્રથમ મેચ ભારતે 11 રને જીતી લીધી છે અને આ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટર શેફાલી વર્માએ સૌથી યુવા ટી-20 ક્રિકેટર બનીને રેકોર્ડ બનાવ્યો હતો. શેફાલી સુરતનાં લાલાબાઈ સ્ટેડિયમમાં પગ મૂકતાંની સાથે જ તે ભારત માટે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી યુવા ખેલાડી બની હતી.
શેફાલી માત્ર 15 વર્ષની છે. જો કે, મેચ શેફાલી માટે યાદગાર ન હતી અને તે શૂન્ય પર આઉટ થઈ ગઈ હતી પરંતુ તેની પાવર હિટિંગની ક્ષમતાને ધ્યાનમાં રાખીને, તે ભારતીય મહિલા ક્રિકેટની આગામી સુપરસ્ટાર માનવામાં આવે છે. કેટલાક ખેલાડીઓની મહેનત તેમના સપનાને જલ્દી જ પૂર્ણ કરે છે. સપનુ પણ એવુ કે જે દેશની કરોડોની આંખોમાં વસે છે. ભારત વતી ક્રિકેટ રમવાનું સપનું. મંગળવારે જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ પ્રથમ ટી-20 મેચ માટે મેદાન પર ઉતરી ત્યારે શેફાલી વર્માનું સ્વપ્ન સાકાર થયું. તેણે 15 વર્ષની ઉંમરે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે, જેની સાથે તે ભારત તરફથી રમવા માટેની બીજી સૌથી નાની ક્રિકેટર બની છે.