કોરોના વાયરસના પગલે સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો છે ત્યારે ભારતમાં પણ કોરોનાના કારણે લોકોને સાવધાની રાખવા જણાવવામાં આવ્યું છે. ઈન્ફેક્શનથી બચવા માટે લોકોને સજાગ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે, તો અનેક ઠેકાણે લોકો પોતાને કોરોના વાયરસથી બચાવવા માટે માસ્ક અને સેનેટાઈજર્સનો ઉપયોગ કરી રહ્યાં છે. હવે સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં શિવલિંગ પર પણ માસ્ક લગાવાયેલું જોવા મળી રહ્યું છે.
હકીકતમાં વારાણસીના પ્રહલાદેશ્વર મંદિરમાં પૂજારીએ શિવલિંગ પર માસ્ક લગાવ્યું છે. આ વિશે વાત કરતા પંડિતજીએ જણાવ્યું કે, કોરોના વાયરસ સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો છે. આજ કારણે અમે શિવલિંગ પર માસ્ક લગાવ્યું છે. આ માસ્ક અમે લોકોને જાગૃત કરવા માટે પહેરાવ્યું છે. જે પ્રમાણે આપણે દેવી-દેવતાઓની કાળજી રાખીએ છીએ અને ઠંડીમાં ગરમ કપડા પહેરાવીએ અને ગરમીમાં એસી કે કૂલરની વ્યવસ્થા કરીએ, તેમ અમે માસ્ક લગાવ્યું છે.