પત્રકાર ગૌરી લંકેશની હત્યામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આ કેસની તપાસ કરી રહેલી એસઆઈટીની ટીમે ગુરુવારે ભાગેડુ આરોપી ઋષિકેશ દેવડીકરની ધરપકડ કરી છે. તેની ધરપકડ ઝારખંડનાં ધનબાદ શહેરથી કરવામાં આવી છે. પોલીસ અન્ય તથ્યો અને પુરાવા માટે ઋષિકેશનાં ઘરની શોધ કરી રહી છે. જણાવી દઇએ કે, ઋષિકેશને આજે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ ઋષિકેશ કતરાસનો એક ઉદ્યોગપતિ પ્રદિપ ખેમકાનાં પેટ્રોલ પંપમાં પોતાની ઓળખ છુપાવીને રોકાઈ રહ્યો હતો, પરંતુ બેંગાલુરુની એસઆઈટી ટીમે તેને દરોડામાં પકડી પાડ્યો હતો. જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે ગૌરી લંકેશ હત્યા કેસની તપાસ કરનારી ટીમને ગત વર્ષે મેડલ આપ્યો હતો. બેંગલુરુની એસઆઈટી ટીમમાં આઈપીએસ એમ.એન.અનુચેથ, ડેપ્યુટી એસપી રંગપ્પા, ઇન્સ્પેક્ટર રાજા સામેલ છે, જેને કેન્દ્રીય ગૃહ મંત્રી પદકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કર્ણાટક સરકાર દ્વારા ટીમને 25 લાખ રૂપિયા પણ એનાયત કરાયા હતા અને કેન્દ્ર સરકારને એસઆઈટીની ટીમનું સન્માન કરવાની ભલામણ કરી હતી.
પોલીસે કહ્યું હતું કે ત્રણેય શંકાસ્પદ લોકો ગૌરીનાં ઘરે ઘૂસી ગયા હતા અને તેમના પર ફાયરિંગ કર્યું હતું, જેમાં તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તે સાંધ્ય મેગેઝિન સામયિક લંકેશ પિંત્રિકાની સંપાદક હતા. ગૌરી પ્રખ્યાત કવિ અને પત્રકાર પી. લંકેશની પુત્રી હતી. 55 વર્ષની ગૌરી લંકેશ દક્ષિણપંથી સંગઠનો સામે અવાજ ઉઠાવતી રહેતી હતી અને અનેક કટ્ટર હિન્દુવાદી સંગઠનો તરફથી તેમને ધમકીઓ પણ મળી હતી.