દીપક જોષી નામના વ્યક્તિએ પેપર લીક કર્યું હોવાની વાત સામે આવી હતી અને દીપકની પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે પ્રવિણદાન ગઢવીએ પોતાને જે પેપર મોકલ્યા હતા તેની માહિતી તેણે દાણીલીમડાની એમ.એસ પબ્લિક સ્કૂલના સંચાલક ફારુક અને સ્કૂલના આચાર્ય વિજેન્દ્ર સિંહ વાઘેલાને આપી હતી.
પરીક્ષાના દિવસે સવારે રૂપરૂ જઈને દીપકે પોતાના મોબાઈલમાં પેપરના ફોટા પાડ્યા હતા અને તેને જુદા-જુદા વ્યક્તિઓને મોકલ્યા હતા.તાજેતરમાં બિન-સચિવાલય ક્લાર્કની લેવામાં આવેલી પરીક્ષાને લઈને ઘણો વિવાદ થયો હતો કેમ કે આ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હતું. આ કેસની તપાસ કરવા માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવી હતી. આ તપાસ દરમિયાન સાહેદને જે જુદા-જુદા વ્યક્તિઓ દ્વારા પેપર મળ્યું હતું અને મોકલવામાં આવ્યું હતું તેમના નિવેદનો લેવામાં આવ્યા છે.
પોલીસે આ પેપર લીક કાંડ સાથે સંકળાયેલા છ લોકોની ધરપકડ કરી લીધી છે.પેપર લીક કૌભાંડમાં દીપક જોષી ઉપરાંત પ્રવિણદાન ગઢવી, એમએસ સ્કૂલના સંચાલક વિજેન્દ્ર સિંહ વાઘેલા, શિક્ષક ફકરૂદ્દીન ઘડિયારી, મોહમ્મદ ફારૂક અબ્દુલ વહાબ કુરૈશી, લખવીન્દર સિંઘ અને રામભાઈ ગઢવીને ઝડપી પાડવામાં આવ્યા છે.નોંધનીય છે કે આ પરીક્ષાને લઈને સમગ્ર રાજ્યમાં મોટો વિવાદ થયો હતો.
પેપર લીક થઈ ગયું હોવાના કારણે પરીક્ષા આપનારાઓએ પરીક્ષા રદ્દ કરવાની માંગણી સાથે ગાંધીનગરમાં દેખાવો કર્યા હતા. જેના કારણે સરકારે પહેલા પેપર લીક કૌભાંડની તપાસ કરવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. જોકે, લોકોને તેનાથી સંતોષ થયો ન હતો અને તેણે પરીક્ષા રદ્દ કરવાની માગણી પકડી રાખી હતી. જેની સામે સરકારને ઝુકવું પડ્યું હતું અને અંતે રાજ્ય સરકારે પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી હતી.