બેંક ઓફ બરોડાએ બરોડા સ્ટાર્ટ-અપ બેંકિંગ પ્રોગ્રામ લોંચ કર્યો છે, જેનો ઉદ્દેશ સ્ટાર્ટ-અપ્સ માટે પસંદગીનાં બેંકિંગ પાર્ટનર બનવાનો અને આગામી બે વર્ષમાં ઓછામાં ઓછા 1000 સ્ટાર્ટઅપ્સ સાથે જોડાણ સ્થાપિત કરવાનો છે. રોજગારીનાં સર્જન અને ઇનોવેશનને આગળ વધારવાની દ્રષ્ટિએ અર્થતંત્ર માટે સ્ટાર્ટ-અપ્સ વૃદ્ધિનું મુખ્ય પરિબળ છે.

ભારત દુનિયામાં ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ ધરાવે છે અને સરકારે 15,000થી વધારે સ્ટાર્ટ-અપ્સને માન્યતા આપી છે. આગામી થોડાં વર્ષોમાં એમાં 5,000થી વધારે સ્ટાર્ટઅપ્સ સામેલ થાય એવી અપેક્ષા છે. આ કાર્યક્રમ અંતર્ગત બરોડા સ્ટાર્ટ-અપની શાખાઓ ગ્રાહકોની જરૂરિયાત મુજબ બેંકિંગ ઉત્પાદનો અને સેવાઓ ઓફર કરશે, જેને સ્ટાર્ટઅપ્સની વિશિષ્ટ અને સ્પેશ્યલાઇઝ બેંકિંગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.

આ ઉત્પાદનોમાં કસ્ટમાઇઝ સ્ટાર્ટ-અપ કરન્ટ એકાઉન્ટ, અત્યાધુનિક પેમેન્ટ ગેટવેઝ, કોર્પોરેટ ક્રેડિટ કાર્ડ્સ અને બેંકનાં હાલનાં અન્ય ઉત્પાદનો સિવાય ધિરાણ સુવિધાઓ સામેલ છે. બેંક ઓફ બરોડાનાં એમડી અને સીઇઓ પી એસ જયકુમારે કહ્યું હતું કે, “અમે માર્કેટ રિસર્ચ ઇનપુટને ધ્યાનમાં રાખીને આ પ્રોગ્રામ બનાવ્યો છે, જે સ્ટાર્ટ-અપ્સની જરૂરિયાતો પૂર્ણ કરે છે. બરોડા સ્ટાર્ટ-અપ શાખાઓ ડેડિકેટેડ રિલેશનશિપ મેનેજર્સ ધરાવે છે, જેઓ સ્ટાર્ટ-અપ્સ સાથે જોડાણ કરશે અને તેમની સાથે લાઇફસાયકલ જોડાણ ઊભું કરશે.

આ અમને સરકારની સ્ટાર્ટ-અપ પહેલોમાં પ્રદાન કરવા સક્ષમ પણ બનાવશે.” અત્યારે બેંકે દેશમાં ગુરુગ્રામ, દિલ્હી, નોઇડા, બેંગાલુરુ, ચેન્નાઈ, મુંબઈ, જયપુર, અમદાવાદ, પૂણે અને હૈદરાબાદ જેવા મુખ્ય સ્ટાર્ટ-અપ કેન્દ્રોમાં 10 ડેડિકેટેડ સ્ટાર્ટ-અપ શાખાઓ સ્થાપિત કરી છે. આગામી તબક્કામાં બેંક લખનૌ, ઇન્દોર, કોલકાતા, કોચી અને ચંદીગઢમાં પણ અમારી સ્ટાર્ટઅપ શાખાઓનું નેટવર્ક ઉમેરશે. સ્ટાર્ટ-અપ્સ માટે સંપૂર્ણ બેંકિંગ સોલ્યુશન્સ ઉપરાંત બેંક ક્લાઉડ ક્રેડિટ્સ, કો-વર્કિંગ સ્પેસ, લીગલ/એકાઉન્ટિંગ સેવાઓ અને ડિજિટલ માર્કેટિંગ દ્વારા સ્ટાર્ટ-અપ્સને સહાય પ્રદાન કરશે.