26 ડિસેમ્બર 2019ના એટલે કે આવતીકાલે સવારે સૂર્યગ્રહણ થશે.ભારત સિવાય આ ગ્રહણ એશિયાના કેટલાક દેશ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળશે. ભારતમાં ગ્રહણકાળ 2.52 કલાકનો રહેશે. સવારે 8.04 મિનિટે ગ્રહણ શરૂ થશે, 9.30 વાગ્યે ગ્રહણનો મધ્યકાળ રહેશે અને સવારે 10.56 વાગ્યે ગ્રહણ પૂરું થશે. જ્યારે સૂર્યગ્રહણ થશે, ત્યારે ધન રાશિમાં એકસાથે 6 ગ્રહો ઉપસ્થિત રહેશે. આ દિવસે માગશર મહિનાની અમાસ તિથિ રહેશે. આ ગ્રહણ મુંબઈ, બેંગલૂરુ, દિલ્હી, ચેન્નેઈ, મૈસૂર, કન્યાકુમારી સહિત ભારતના અનેક શહેરોમાં પણ જોવા મળશે. ત્યારબાદ સૂર્યગ્રહણ 21 જૂન 2020માં થશે, આ ગ્રહણ પણ ભારતમાં જોવા મળશે.
સૂર્યગ્રહણનો તમામ 12 રાશિઓ પર કેવો પ્રભાવ રહેશે?
મેષઃ આ રાશિ માટે નવમ રાશિમાં ગ્રહણ હશે. ભાગ્યની ઊણપ સર્જાઈ શકે છે. મદદ કરનારા તૈયાર હશે, પણ સમયના સંતુલનમાં ગરબડો સર્જાઈ શકે છે.
વૃષભઃ તમારા માટે અષ્ટમ રાશિમાં ગ્રહણ હશે. તમારે અત્યંત સાવધાન રહેવું પડશે. વાહન વગેરેમાં સાવચેતી રાખશો અને વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરશો.
મિથુનઃ મિથુન રાશિને સપ્તમ રાશિમાં ગ્રહણ હશે. પ્રેમમાં સમસ્યાઓ આવી શકે છે. દાંપત્ય જીવનમાં પણ તણાવ સર્જાઈ શકે છે.
કર્કઃ તમારા માટે ષષ્ઠમ રાશિમાં ગ્રહણ રહેશે. જાતને સંભાળવાનો સમય છે. મહેનતનું ફળ મળશે. શત્રુઓને પરાજિત કરવામાં સફળ થઈ શકો છો.
સિંહઃ પંચમ રાશિમાં ગ્રહણ હોવાને કારણે સંતાન સંબંધી ચિંતામાં વધારો થશે. નોકરીમાં તણાવ પેદા થઈ શકે છે. કાર્યસ્થળ પર વિવાદ સર્જાઈ શકે છે.
કન્યાઃ ચતુર્થ રાશિમાં ગ્રહણ થઈ રહ્યું છે, સુખમાં ઓટ લાવશે. અશુભ સમાચાર મળી શકે છે. સ્ટ્રેસમાં વધારો થશે.
તુલાઃ તૃતીય રાશિમાં ગ્રહણ થઈ રહ્યું છે. જૂના વિવાદો શાંત થશે. પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. તમારી યોજનાઓ સફળ થઈ શકે છે.
વૃશ્ચિકઃ દ્વિતીય રાશિમાં ગ્રહણ થશે. સ્થાવર સંપત્તિ સંબંધી મુદ્દાઓમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ધનમાં ઘટાડો થશે અને ઉદાસી છવાયેલી રહેશે.
ધનઃ આ રાશિમાં એકસાથે છ ગ્રહો રહેશે અને ગ્રહણ થશે. ધીરજ રાખવાનો સમય છે. તમારી જાતને સંભાળો અને વિચારોમાં સમાનતા રાખો.
મકરઃ દ્વાદશ રાશિમાં ગ્રહણ. વ્યયમાં વધારો કરશે તથા બિનજરૂરી પરેશાનીઓ ઊભી કરશે. ઘરમાં ઉપયોગી વસ્તુઓ યોગ્ય રીતે કામ નહીં કરે.
કુંભઃ એકાદશ રાશિમાં ગ્રહણ આવકમાં વિઘ્ન ઊભું કરી શકે છે, પરંતુ મહેનતનું ફળ મળશે. પૂજા-પાઠમાં ચિત્ત ચોંટશે.
મીનઃ દશમ રાશિમાં ગ્રહણ કાર્યમાં વિઘ્નો લાવશે, પરંતુ જાતની સમજદારીથી તમામ મુશ્કેલીઓના ઉકેલ લાવી શકશો.