સ્પાઇસ જેટે આજે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે નાણાકીય કટોકટીને કારણે બંધ થઇ ગયેલી જેટ એરવેઝ એરલાઇન્સના ૧૦૦ પાયલોટ સહિત ૫૦૦ કર્મચારીઓને નોકરી પર રાખ્યા છે. સ્પાઇસ જેટે વધુમાં જણાવ્યું છે કે અમે આગામી સમયમાં વધુ વિમાન લેવાના હોવાથી અમે હજુ પણ જેટ એરવેઝના કર્મચારીઓને નોેકરી પર રાખીશું.
ઉલ્લેખનીય છે કે સ્પાઇસ જેટે તાજેતરમાં જ ૨૭ વધુ વિમાનો સામેલ કરવાની જાહેરાત કરી હતી. સ્પાઇસ જેટના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અજય સિંહે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમે અમારી તમામ ભરતીમાં જેટ એરવેઝના કર્મચારીઓને પ્રાથમિકતા આપીએ છીએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે અત્યાર સુધીમાં જેટ એરવેઝના ૧૦૦ પાયલોટ, ૨૦૦ કેબિન ક્રૂ અને ૨૦૦ ટેકનિકલ સ્ટાફને નોેકરી પર રાખ્યા છે. સ્પાઇસ જેટે ગુરૃવારે જ ૨૪ નવી ફલાઇટ શરૃ કરવાની જાહેરાત કરી હતી.
આ દરમિયાન બેંકો સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર લેણદારો જેટ એરવેઝના બંધ પડેલા ૧૫ વિમાનોનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છે. આ ઉપરાંત એરપોર્ટ સ્લોટ સહિતની જેટ એરવેઝની કીંમતી મિલકતોનું રક્ષણ કરવા માટે સંબધિત સત્તાવાળાઓ સાથે ચર્ચા ચાલુ રહી છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે એર ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અશ્વિની લોહાનીએ જેટ એરવેઝના પાંચ વિમાનો ભાડે લેવા માટે એસબીઆઇના ચેરમેન રજનીશકુમારને પત્ર લખ્યો હતો.