ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો સતત વધી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુરૂવારે સવાર સુધી દેશમાં કુલ કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 5734 સુધી પહોંચી ગઈ છે, જેમાંથી 472 કેસ એવા પણ છે દે સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. જ્યારે 166 લોકો આ વાયરસના કારણે મોતને ભેટી ચૂક્યા છે. એક વ્યક્તિને માઈગ્રેટ કરવામાં આવ્યો છે. જેથી દેશમાં કુલ એક્ટિવ કોરોના વાયરસના મામલાઓની સંખ્યા વધીને 5095 થઈ ગઈ છે.
દેશભરમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અહીં અત્યાર સુધીમાં કોરોનાના 1135 કેસ નોંધાઈ ચૂક્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાંથી 738 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ યાદીમાં ત્રીજા નંબર પર દિલ્હી છે જ્યાં અત્યાર સુધીમાં 669 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત તેલંગાણામાં 427, રાજસ્થાનમાં 381, ઉત્તર પ્રદેશમાં 361, આંધ્ર પ્રદેશમાં 348, કેરળમાં 345 અને ગુજરાતમાં 241 લોકો આ સંક્રમણની લપેટમાં આવી ચૂક્યા છે.