ભારતના સૌથી સુંદર ઐતિહાસિક વારસા તાજમહાલ પર એક ભાજપ નેતાએ વિવાદિત નિવેદન આપ્યું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ભારત આવનાર વિદેશી પ્રવાસીઓ હવે તાજમહાલ અને સિદી સૈયદની મસ્જિદ જવાની જગ્યાએ અક્ષરધામ મંદિર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જાય છે.
કેન્દ્રીય રાજ્યમંત્રીએ તાજમહાલને ભારતની ઓળખ માનવાનો ઈન્કાર કરતા જણાવ્યું કે, પહેલા જ્યારે લોકો દિલ્હી આવતા હતા, ત્યારે તેમને તાજમહાલ બતાવવામાં આવતો હતો. ભારત તેને પોતાની તાકાત રૂપે જોતો હતો. જો કે હવે જ્યારે વિદેશી લોકો ભારત આવે છે, તો પહેલા તેઓ અક્ષરધામ જોવા જાય છે, તેઓ તાજમહાલ જોવા નથી જતા.
જણાવી દઈએ કે, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2017માં જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે અને તેમની પત્ની સાથે મસ્જિદની મુલાકાત લીધી હતી. શિંજો આબે અને તેમની પત્ની જ્યારે અમદાવાદ આવ્યા હતા, ત્યારે વડાપ્રધાન મેદી ખુદ તેમને સિદી સૈય્યદની મસ્જિદ લઈ ગયા હતા.
મનસુખ માંડવિયા આટલેથી ના અટકતા તેમણે વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાની તુલના મહાત્મા ગાંધી અને લાલ બહાદૂર શાસ્ત્રી સાથે કરી દીધી. તેમણે જણાવ્યું કે, મોદીજી જે કહે છે, તેવું જ દેશ કરે છે. આવું એટલા માટે કે, મોદીજી દેશ માટે પ્રતિબદ્ધ છે.