મુંબઇમાં સરકારે આશરે 2700 જેટલા વૃક્ષોને કાપી નાખવાનો આદેશ આપ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે લોકોમાં ભારે રોષ વધી રહ્યો છે. જે લોકો વૃક્ષો બચાવવા માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે તેની જ અટકાયત કરવામા આવી રહી છે. બીજી તરફ સમગ્ર ઘટનાક્રમની નોંધ હવે સુપ્રીમ કોર્ટે લીધી છે અને સુઓ મોટોના ભાગરૂપે આ મામલાની સુનાવણી કરશે.
મુંબઇની આરે કોલોનીમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે સરકારે 200 વૃક્ષો કાપી નાખ્યા છે જ્યારે બીજા 2500 જેટલા વૃક્ષો હજુ પણ કાપવાના છે. આ કામગીરી ચાલી રહી છે જેનો આ કોલોનીના રહેવાસીઓ ભારે વિરોધ કરી રહ્યા છે અને રસ્તા પર ઉતરી વિરોધ કરી રહ્યા છે. જોકે પોલીસે વૃક્ષો બચાવવા માટે અવાજ ઉઠાવનારાઓની જ અટકાયત કરી કેસ દાખલ કરી દીધો છે.
બીજી તરફ સુુપ્રીમ કોર્ટની એક વિશેષ બેંચ હવે આ મામલાની સુઓ મોટોના ભાગરૂપે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર પ્રકાશીત નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે એક વિશેષ બેંચની રચના સાતમી ઓક્ટોબરે સવારે 10 વાગ્યે આ કેસની સુનાવણી માટે ગઠીત કરવામાં આવી છે.