આખી દુનિયામાં માનવઅધિકારોના સંરક્ષણ માટે વાતો કરવામાં આવે છે પરંતુ માનવ અધિકારનું ભાગ્યે જ જતન થાય છે અને તેમાં પણ જો કોઈ આફત આવી હોય તો પછી માનવ અધિકારનું ભૂલી જ જવાનું રહે. તાજેતરમાં કોરોનાની મહામારીમાં પણ માનવ અધિકારીનું હનન જ કરવામાં આવ્યું છે. વિશ્વમાં કોરોના(Corona)ની મહામારીએ હાહાકાર મચાવી દીધો છે. કોરોનાના કેસની સંખ્યા વિશ્વભરમાં તા.13મી જૂન, 2020ના રોજ 77 લાખથી પણ વધારે નોંધાઈ હતી. તેમાં અત્યાર સુધીમાં 4.28 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે. એટલી રાહતની વાત છે કે નોંધાયેલા કુલ કેસ પૈકી 39 લાખ દર્દી સાજા પણ થઈ ગયા છે. પરંતુ તેમ છતાં પણ તેના જેટલા જ દર્દીઓ સારવાર પણ લઈ રહ્યા છે.
કોરોની મહામારીમાં શરૂઆતના સમયમાં યુરોપ(Europe)ના દેશોમાં એટલી અંધાધૂંધી ફેલાઈ જવા પામી હતી કે આ દેશોમાં કોરોનાના દર્દીઓ પ્રત્યેની સંવેદના જ જાણે મરી પરવારી હતી. મોતને ભેટનારા દર્દીઓની સંખ્યા એટલી હતી કે લાશોને દફન ક્યાં કરવી તે મોટો પ્રશ્ન બન્યો હતો. મોતને ભેટેલા દર્દીઓને એકસાથે કન્ટેનરમાં ભેગા કરીને દફન કરવા માટે લઈ જવાતાં હતા. દર્દીઓના પરિવારજનોને સાથે લઈ જવાતાં નહીં હોવાથી લાશને કેવી રીતે અંતિમ વિદાય આપવામાં આવી તે કોઈને ખબર જ પડતી નહોતી. મૃત્યુ પામેલાનો મલાજો પણ જળવાતો નહોતો. યુરોપના દેશોમાં હાલમાં કેસની સંખ્યા ઘટવા માંડી છે. કોરોના આ દેશોમાંથી હવે નીકળી રહ્યો છે પરંતુ શરૂઆતમાં ઈટાલી સહિતના યુરોપના દેશોની જે સ્થિતિ હતી તે હવે ભારતની થવા માંડી છે. આમ, તબીબી સારવારની ભારતમાં ભાગ્યે જ યોગ્ય વ્યવસ્થા છે. જેને જેમ ફાવે તેમ તબીબી સારવારના નામે લૂંટે છે.
સરકારી હોસ્પિટલો(Government Hospital)માં કોઈ ઠેકાણા હોતા નથી અને ખાનગી હોસ્પિટલોનો ખર્ચ સામાન્ય વ્યક્તિને પોષાય તેમ હોતો નથી. સામાન્ય વ્યક્તિની હાલત ખૂબ જ ખરાબ છે. સામાન્ય રોગની સારવાર માટે પણ ભારતમાં મોટી સમસ્યા હતી ત્યાં હવે કોરોનાએ આ સમસ્યાને ભારે વકરાવી દીધી છે. ભારતમાં કોરોનાના કેસ 3 લાખથી પણ વધી ગયા છે. ભારતમાં એટલી રાહત છે કે મોતનો આંક વધારે નથી પરંતુ જેવી રીતે ભારતમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે તે બતાવી આપે છે કે ભારતમાં પણ કોરોનાના દર્દીઓના મોતનો આંક આગામી દિવસોમાં મોટો થવાની પુરી સંભાવના રહેલી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ હોય કે પછી દિલ્હી, મુંબઈ, ચેન્નાઈની મોટી સરકારી હોસ્પિટલ, કાગડા દરેક જગ્યાએ કાળાં જ છે. સરકારી હોસ્પિટલોમાં તબીબી કર્મચારીઓ કોરોનાના દર્દીઓને યોગ્ય સારવાર આપવા માટે તૈયાર હોતા નથી. દર્દીઓને જે વોર્ડમાં રાખવામાં આવે છે તેમાં ભાગ્યે જ યોગ્ય સુવિધાઓ હોય છે. ચાદર, ઓશિકા બદલાતાં નથી.
માસ્ક અને સેનિટાઈઝર(Senetizer) અપાતાં નથી અને દર્દીઓને એવી રીતે ટ્રીટ કરવામાં આવે છે કે જાણે જાનવરો સાથે વહેવાર કરતાં હોય. ભારતમાં શરૂઆતના સમયમાં દર્દીઓની યોગ્ય સંભાળ લેવામાં નહીં આવતા મોતનો આંક વધવા માંડ્યો હતો. ભારતમાં સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોના દર્દીઓની સારવાર થઈ રહી છે પરંતુ ખાનગી હોસ્પિટલોએ દર્દીઓને લૂંટવામાં કશું જ બાકી રાખ્યું નથી. સુરતની એક ખાનગી હોસ્પિટલે કોરોનાના દર્દી પાસેથી 12 લાખ રૂપિયાના ચાર્જની વસૂલી કરી અને ચાલતો આવેલો દર્દી સાજો થવાને બદલે સુતો સુતો ઘરે પહોંચ્યો. ખાનગી લેબ દ્વારા પણ કોરોનાના ટેસ્ટ કરવા માટે લૂંટ ચલાવાઈ હતી. ત્યાં સુધી કે ખાનગી હોસ્પિટલો અને ખાનગી લેબ(Privet Lab) દ્વારા પણ સાંઠગાંઠ કરી કોરોનાના નામે દર્દીને હોસ્પિટલમાં રાખી શકાય અને કરોડો રૂપિયા લૂંટી શકાય તે માટે કૌભાંડ પણ કરવામાં આવ્યું હતું. જ્યાં આવું થતું હોય ત્યાં કોરોનાના દર્દીઓની યોગ્ય સારવાર થાય તેવી અપેક્ષા રાખવી જ ખોટી છે.
હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા દેશમાં કોરોનાના દર્દીઓની જે રીતે સારવાર કરવામાં આવી રહી છે તેમાં સરકારને ફટકાર લગાડવામાં આવી છે. સુપ્રીમ કોર્ટએ કહ્યું છે કે કોરોનાના દર્દીઓને જાનવરની જેમ ટ્રીટ નહીં કરો. સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારો પાસે જવાબ પણ માંગવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટએ ત્યાં સુધી સરકારોને કહ્યું છે કે ટેસ્ટિંગ કેમ ઘટાડવામાં આવી રહ્યા છે. એક સમયે જ્યારે અમેરિકા દ્વારા કોરોનાના વધુને વધુ ટેસ્ટ કરવામાં આવતા હતાં ત્યારે તેને અલગ રીતે જોવામાં આવતું હતું. હવે અમેરિકામાં કોરોનાના કેસ ઘટવા માંડ્યા છે. કોરોનાની મહામારીને કેન્દ્ર અને જે તે રાજ્ય સરકારોએ પહેલેથી જ ગંભીરતાથી લેવાની જરૂરીયાત હતી. અન્ય દેશોમાં જ્યારે કોરોના ફેલાયો ત્યારે ભારતની સરકારો દ્વારા તેને હળવાશથી લેવામાં આવ્યું અને આજે ભારત કોરોનાના કેસની સંખ્યામાં વિશ્વમાં ચોથા ક્રમે આવી ગયું છે અને જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે બતાવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ ભારત કોરોનાના કેસની સંખ્યામાં ત્રીજા અને પછી બીજા ક્રમે આવી જશે. ભારત સરકારે હવે કોરોનાના કેસ મામલે ખુબ જ ગંભીરતા બતાવવાની જરૂરીયાત છે. સુપ્રીમ કોર્ટની ફટકાર પછી હવે સરકાર દ્વારા કોરોનાના દર્દીઓની યોગ્ય સારવાર થાય, વધુને વધુ ટેસ્ટિંગ થાય અને વધુને વધુ દર્દીઓ સાજો થઈને ડિસ્ચાર્જ થાય તે જોવામાં આવે તે અતિ જરૂરી છે. સુપ્રીમ કોર્ટ પણ હવે જાગી છે. ખરેખર સુપ્રીમ કોર્ટએ પણ પહેલેથી જ જો સરકારોને ખખડાવી હોત તો કદાચ ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા આટલી વધી નહીં હોત. ભલે મોડેથી પણ હવે સુપ્રીમ કોર્ટએ કોરોનાના મામલે સરકારો પર સતત મોનિટરિંગ રાખવામાં આવે જરૂરી છે. ભારતમાં સામાન્ય લોકો માટે હવે ભરોસાપાત્ર માત્ર સુપ્રીમ કોર્ટ જ છે. સરકારો તો પોતાનો વિશ્વાસ જ ખોઈ બેઠી છે.