કોલકાતાની આરજી કાર હોસ્પીટલમાં મહિલા ડોક્ટર ઉપર બળાત્કાર અને બબર્રતાપૂર્વક કરવામાં આવેલી હત્યાથી દેશભરમાં આક્રોશ છે અને તબીબો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કોલકાતા કાંડ ઉપર સ્વત: સંજ્ઞાન લીધું છે. ડોક્ટરના બળાત્કાર અને હત્યાના કેસની સુનાવણી 20 ઓગસ્ટના મંગળવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની પીઠ કરશે. બીજી તરફ બળાત્કાર અને હત્યાની ઘટના બાદ મેડિકલ કોલેજમાં થયેલી તોડફોડના બનાવમાં પોલીસ દ્વારા 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ટીએમસી કાર્યકરો અને મહિલાઓ પણ સામેલ છે.
મંગળવારે સીજેઆઈ ચંદ્રચુડ, જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મિશ્રા સવારે પહેલા કોલકાતાના મામલે જ સુનાવણી કરશે. મંગળવાર માટે લિસ્ટ કરવામાં આવેલા કેસની યાદીમાં કોલકાતાનો બનાવ 66મા ક્રમાંકે છે. જો કે તેમાં વિશેષ ઉલ્લેખ છે કે પીઠ પ્રાથમિકતાના આધારે તેના ઉપર સુનાવણી કરશે. 17 ઓગસ્ટના રોજ રાષ્ટ્રવ્યાપી આક્રોશ અને ચિકિત્સા કર્મચારીઓની હડતાળ વચ્ચે સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મુદ્દે એક અરજી દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ સમક્ષ થેલી અરજીમાં 9 ઓગસ્ટા કોલકાતા પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઈની મહિલા ડોકટર ઉપર બળાત્કાર અને હત્યાની ભયાનક અને શર્મનાક ઘટનાનું સ્વત: સંજ્ઞાન લેવા આગ્રહ કરવામાં આવ્યો હતો.
અરજકર્તા આર્મી કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ, સિકંદરાબાદના બીડીએસ ડો. મોનિકા સિંહના વકીલ સત્યમ સિંહે અદાલતને અનુરોધ કર્યો હતો કે 14 ઓગસ્ટના અસમાજીક તત્વો દ્વારા મેડિકલ કોલેજ ઉપર કરવામાં આવેલા હુમલાની પણ નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવામાં આવે. વધુમાં મામલો પેન્ડિંગ રહે ત્યાં સુધી આરજી કાર હોસ્પીટલના કર્મચારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય દળની તૈનાતીના આદેશની માગ કરવામાં આવી હતી. પત્રમાં તેમણે ચિકિત્સા કર્મચારીઓ ઉપર ક્રુર હુમલાની ચિંતાજનક ઘટનાઓમાં વધારાનો હવાલો આપ્યો હતો. ખાસ કરીને કોલકાતાના મેડિકલ કોલેજનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ કોલકાતાની મેડિકલ હોસ્પિટલમાં થયેલી તોડફોડના કેસમાં ઓછામાં ઓછા 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ટીએમસી કાર્યકર્તા અને અમુક મહિલાઓ સામેલ છે. આરજી કાર હોસ્પીટલમાં રાત્રીના થઈ રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન જોરદાર તોડફોડ થઈ હતી. આ ઘટના બાદ પોલીસે 76 લોકોની તસવીર જારી કરી હતી. જેમાંથી 30ની ધરપકડ થઈ શકી છે.