ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) તબક્કાવાર પાણી છોડવાનું શરુ થતા સુરતીઓના જીવ ફરી તાળવે ચોંટ્યો છે. ઉકાઈ ડેમના તંત્ર દ્વારા ગુરુવારે સવારે 10 કલાકે 1 લાખ 90 હજાર ક્યુસેક (1.9 Lac Cusec) પાણી છોડવાનું શરુ કરાયું છે. રુલ લેવલ 335 ફૂટ જાળવી રાખવા માટે સિંચાઈ વિભાગ દ્વારા સતત તાપી નદીમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. 1 સેપ્ટેમ્બર સુધી તંત્ર દ્વારા આ રુલ લેવલ જાળવી રાખવામાં આવશે જેને પગલે ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં આવતું પાણી ઇનફ્લો મુજબ તબક્કાવાર તાપીમાં છોડાતું રહે એવી શક્યતા છે.
તંત્ર દ્વારા બુધવારે સાંજે 7 કલાકે 1 લાખ 50 હજાર ક્યુસેક પાણી તબક્કાવાર છોડવાનું શરુ કરાયું હતું, પરંતુ નવા મળતા અપડેટ મુજબ ગુરુવારે સવારે 10 કલાકે આઉટફ્લો 1 લાખ 50 હજારથી વધારીને 1 લાખ 90 હજાર કરાયો છે. જો કે, આ પાણી તબક્કાવાર છોડવાનું હોવાને કારણે સુરતીઓને ઘબરાવાની જરૂર નથી.
બીજી તરફ અમાસની ભરતી હોવાને કારણે શહેરના નીચાણ વાળા વિસ્તારો અને ખાડી વિસ્તારોને અસર પહોંચે તેવી શક્યતા પણ છે. કારણકે ભરતીના લીધે ઉકાઇમાંથી છોડાયેલું પાણી સીધે સીધે દરિયામાં સમાઈ શકશે નહિ. બીજી તરફ આ પાણી શહેરમાં ન પ્રવેશે તે માટે પાલિકા દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવી ફ્લડ ગેટ બંધ કરી દેવાઈ તેવી પણ શક્યતા છે. અને જો શહેરમાં ભારે વરસાદ થાય તેવી સ્થિતિમાં પાણીનો નિકાલ ફ્લડ ગેટ બંધ હોવાથી થઈ શકશે નહીં. આમ હાલની સ્થિતિને જોતા નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોએ સાવચેત રહેવું પડશે.

હાલમાં વરસી રહેલો વરસાદ આગામી બે ત્રણ દિવસમાં હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા ઝાપટાં, કે ભારે ઝાપટાં સાથે કોઈ કોઈ ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. ઓગસ્ટ તા.24-25માં પણ વરસાદી વહન સક્રિય થતા ઉત્તર-મધ્ય ગુજરાત તેમજ રાજ્યના ઘણાં ભાગોમાં, સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં પણ વરસાદ થઈ શકે. સિંધમાં થતું હવાનું દબાણ કચ્છના ભાગો, રાજકોટ, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, ભરૂચ, નર્મદાના ભાગો, રાજપીપળાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા.