સાયન્સ એડવાન્સીસ નામના જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવ્યું હતું કે જ્યાંથી કોરોના વાઇરસ ફેલાયો તે વુહાન શહેરમાંથી રવાના થયેલાં લોકોને ઓળખી કાઢી તેમનામાં કોરોનાના લક્ષણો દેખાવાના શરૂ થયા ત્યાં સુધી તેમના પર બારીક નજર રાખવામાં આવી હતી. કોરોના વાઇરસનો ચેપ લાગ્યા બાદ તેના લક્ષણો વરતાવાનો સમયગાળો ચારથી પાંચ દિવસ નહીં પણ આઠ દિવસ લાંબો હોઇ શકે છે તેમ એક નવા અભ્યાસમાં જણાયું છે.
ચીનની પેકિંગ યુનિવસટીના વિજ્ઞાાની ચોંગ યુએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસના લક્ષણો ચેપ લાગ્યાના ચાર-પાંચ દિવસમાં વરતાય છે તેવો વર્તમાન અંદાજ મર્યાદિત ડેટા અને નાની સંખ્યાના સેમ્પલ સાઇઝ પર આધારિત હતો. જ્યારે વર્તમાન અભ્યાસમાં કોરોનાના 1084 દર્દીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો જે વુહાનના રહેવાસી છે અને તેમની પ્રવાસની વિગતો પ્રાપ્ય છે.
આ અભ્યાસમાં જણાયું હતું કે ચેપના લક્ષણો વરતાવાનો સરેરાશ સમય 7.75 દિવસ જણાયો છે જ્યારે દસ ટકા દર્દીઓમાં આ સમયગાળો 14.28 દિવસનો જણાયો હતો. આ તારણોને કારણે આરોગ્ય સત્તાવાળાઓ જે 14 દિવસના ક્વોરન્ટાઇન માટે આગ્રહ રાખે છે તેમની ચિંતા વધી છે.