હાલમાં કેટલાક સંશોધકોએ શોધી કાઢ્યું છે કે બાળકોમાં કોરોનાવાયરસના ચિન્હો તરીકે પેટની કેટલીક તકલીફો જોવા મળી શકે છે. તેમણે આ લક્ષણોને કોરોનાવાયરસના સત્તાવાર લક્ષણોમાં ઉમેરવા સત્તાવાળાઓને વિનંતી કરી છે.
ઉત્તર આયર્લેન્ડના કેટલાક સંશોધકોને જણાયું છે કે ડાયેરિયા(ઝાડા થવા), વોમિટિંગ અને પેટમાં ચૂંક જેવા લક્ષણો બાળકોમાં કોરોનાવાયસરજન્ય કોવિડ-૧૯ના રોગ સાથે મજબૂત રીતે સંકળાયેલા છે. તેમણે જણાવ્યું છે કે પુખ્ત વયની વ્યક્તિઓમાં પણ આ લક્ષણો ઘણી વાર જોવા મળતા હોય છે.
આ લક્ષણો બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસીઝ દ્વારા કોરોનાવાયરસના લક્ષણોની યાદીમાં સમાવવામાં આવ્યા નથી, પરંતુ આ લક્ષણોને યાદીમાં સમાવવા જોઇએ એમ આ વૈજ્ઞાનિકો જણાવે છે. જ્યારે કે અમેરિકામાં વોમિટિંગ અને ડાયેરિયા સહિત ૧૧ લક્ષણો કોરોનાવયારસના ગણાવવામાં આવ્યા છે. બીજી બાજુ, નાના બાળકોમાં ખાંસી, તાવ અને ગંધ આવવાના અભાવ જેવા લક્ષણો કોરોનાવાયરસના ચેપમાં જોવા મળતા નથી.
બ્રિટિશ અધિકારીઓ જો કે પેટની તકલીફોના લક્ષણોને કોરોનાવાયરસના લક્ષણોની યાદીમાં ઉમેરવા માટે બહુ ઉત્સુક નથી. તેઓ એ બાબતે ચિંતીત છે કે જો આ લક્ષણોને કોવિડ-૧૯ના લક્ષણોમાં સમાવિષ્ટ કરવામાં આવશે તો ઝાડા, ઉલટી જેવી તકલીફો વાળા તમામ લોકો પોતાને કોરોનાના દર્દી માનીને દોડી આવશે અને આરોગ્ય સવલતો પર દબાણ ઉભું થશે.