પેટ્રોલ અને ડીઝલના વિક્રમજનક ભાવ વચ્ચો નાણા પ્રધાન નિર્મલા સિતારમને આજે જણાવ્યું હતું કે હાલમાં ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, જેટ ફ્યુઅલ (એટીએફ) અને કુદરતી ગેસને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં લાવવાનો કોઇ પ્રસ્તાવ નથી. એક જુલાઇ, 2017ના રોજ જીએસટીનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. જો કે તે સમયે ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ(એટીએફ)ને જીએસટીના દાયરામાંથી બાકાત રાખવામાં આવ્યા હતાં.નાણા પ્રધાનના આ નિવેદન પછી એ સ્પષ્ટ થઇ ગયું છે કે પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડયુટી અને રાજ્ય સરકાર વેટ વસૂલ કરવાનું ચાલુ રાખશે. એટલે કે સામાન્ય માનવીને કોઇ રાહત મળે તેવી શક્યતા લાગતી નથી.
લોકસભામાં એક પ્રશ્રના લેખિત જવાબમાં સિતારમને જણાવ્યું હતું કે હાલમાં ક્રૂડ પેટ્રોલિયમ, પેટ્રોલ, ડીઝલ, એટીએફ અને કુદરતી ગેસને જીએસટીના દાયરામાં લાવવાનો કોઇ પ્રસ્તાવ નથી.તેમણે અન્ય એક પ્રશ્રના જવાબમાં જણાવ્યું હતું કે પેટ્રોલિયમ ક્રૂડ, હાઇ સ્પીડ ડીઝલ, પેટ્રાલ, કુદરતી ગેસ અને એટીએફને જીએસટીના દાયરામાં લાવવાનો નિર્ણય જીએસટી કાઉન્સિલને કરવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી જીએસટી કાઉન્સીલે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની ભલામણ કરી નથી. એક અન્ય પ્રશ્રના જવાબમાં નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન અનુરાગ સિંહા ઠાકુરે જણાવ્યું હતું કે એક વર્ષ અગાઉ પેટ્રોલ પરની એક્સાઇઝ ડયુટી 19.98 રૂપિયા હતી જે હવે વધીને 32.90 રૂપિયા થઇ ગઇ છે.