ચાની ચુસ્કી માટે ગુજરાતીઓને વધારે કિંમત ચુકવવી પડશે. કોરોનાકાળમાં લોકડાઉન પગલે ચાના પાકને ભારે નુકશાન થતા ચાના ભાવમાં 60 ટકા સુધી વધારો થવાની સંભાવના છે. માર્ચ-એપ્રિલ મહિનામાં ચાના પાકની સિઝન હોય છે પણ આ જ સમયગાળા દરમિયાન કોરોના મહામારીએ દસ્તક આપી છે. જેથી સમગ્ર દેશમાં લોકડાઉન અમલમાં મુકાયું હતું. જેની અસર ચાના ઉત્પાદન પર પણ પડી હતી.
આ ઉપરાંત આસામમાં ભંયકર પૂર આવ્યુ છે. આમ આસામ પર કુદરતની બેવડી માર પડી છે. જેના લીધે વિશ્વમાં બીજા ક્રમના ચાના સૌથી વધુ ઉત્પાદક ભારતના ચાના ઉત્પાદનમાં ફટકો પડયો છે. જેના કારણે ચાના જથ્થાબંધ ભાવમાં 60 ટકાનો વધારો નોંધાયો છે. જેની અસર ચાના રિટેલ ભાવમાં પડી છે અને 20 ટકા વધારો થયો છે. તેના લીધે ચાની કીટલી પર મળતા ચાના કપમાં રૂ. 2થી રૂ.3નો વધારો થવાની શક્યતા છે.