કોરોના વાઈરસના સતત વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને તેલંગાણા સરકારે જાહેર સ્થળો પર લોકો માટે માસ્ક પહેરવું ફરજિયાત કરી દીધુ છે. તેલંગાણા સ્વાસ્થ્ય વિભાગે એક એડવાઈઝરી ઈસ્યૂ કરીને જણાવ્યું કે, એક જ સ્થળ પર રહેતા લોકો પણ અંદરોઅંદર વાતચીત દરમિયાન માસ્ક પહેરવું જોઈએ. અગાઉ જાહેર કરવામાં આવેલા આદેશમાં માત્ર એવા લોકોને જ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી હતી, જેમને ખાંસી, શરદી અને તાવ જેવી કોઈ સમસ્યા હોય.
આ ઉપરાંત તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે (KCR) આગામી બે અઠવાડિયા માટે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લંબાવવા માટે સૂચન કર્યું હતું. જેથી કોરોનાને કાબૂમાં કરી શકાય. CM ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે, લૉકડાઉનના કારણે કોરોના વાઈરસને ફેલાતો અટકાવવામાં મોટી સફળતા મળી છે. આથી તેને આગામી બે સપ્તાહ સુધી લંબાવ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ જ નથી.